ગુજરાત
News of Friday, 12th October 2018

ખેડા જિલ્લામાં અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવમાં કાર ચાલકે દમ તોડ્યો: પાંચ ઈજાગ્રસ્ત

ખેડા: જિલ્લામાં નેશનલ હાઈવે નં. ૮ ગોબલજ, ભાટેરા સીમ તેમજ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે વાંઠવાળી નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ જણાંને ઈજા થઈ હતી. જ્યારે એક ઈસમનું મોત નીપજ્યું હતું. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નેશનલ હાઈવે નં. ૮ ગોબલજ સંમતિ હોટલ સામેથી ગઈકાલે સાંજે આઈશર નં. જીજે ૧૯ યુ ૧૮૩૩ના ચાલકે પૂરઝડપે હંકારી આગળ જતી આઈશર પાછળ ધડાકાભેર અથડાવી હતી. જેથી ઈમરાનમીયાં મીરસાવમીયાં મલેક (ઉંમર ૩૪) રે. માલાવાડા)તથા રાજેશભાઈ તેમજ આઈશરના ચાલકને ઈજા થઈ હતી. આ બનાવ અંગે ઈમરાનમીયાં મલેકની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
જ્યારે અકસ્માતનો બીજો બનાવ કઠલાલ કપડવંજ રોડ ઉપર સર્જાયો હતો. જેમાં તલોદ તાલુકાના આંત્રોલીમાં રહેતા ભારતસિંહ ચંપકસિંહ ઝાલા ગઈકાલે આઈશર ટ્રક નં. જીજે ૦૯ એવી ૬૬૯૬ હંકારી જઈ રહ્યા હતા ત્યારે ભાટેરા નજીક રોંગ સાઈડે આવી ચઢેલી કાર આઈશર સાથે અથડાતા કાર ચાલકને ઈજા થઈ હતી. આ અંગે ભારતસિંહ ઝાલાની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતનો ત્રીજો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર સર્જાયો હતો. જેમાં ઘાટકોપર મુંબઈનો મુસ્લિમ પરિવાર ઈનોવા કાર નં. એમએચ ૦૪ સીજે ૩૪૫૫માં મીરાદાતાર દરગાહ ઉપર જવા નીકળ્યા હતા. ઈનોવા કાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી જઈ રહી હતી ત્યારે વાંઠવાળી નજીક કારનું પાછળનું ટાયર ફાટતા કાર રોન્ગ સાઈડે પલટી ખાઈ ગઈ હતી. જેથી કાર ચાલક ફૈઝ રમઝાન અન્સારીને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. જ્યારે સુલતાનબાનુ હુશેનમીયાં તેમજ મુમતાઝબાનુ અન્સારીને ઈજા થઈ હતી. આ અંગે અફઝલહુશેન બડેખાની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:09 pm IST)