ગુજરાત
News of Friday, 12th October 2018

ખંભાતના ટિમ્બામાં દહેજના મામલે પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

ખંભાત: તાલુકાના ટીમ્બા ગામની પરિણીતાને તેના પતિ, સાસુ, કાકા સસરા તથા દેરાણી દ્વારા દહેજની માંગણી કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ તાલુકાના અરડી ગામે રહેતી સુમિત્રાબેનના લગ્ન સાતેક વર્ષ પહેલા ખંભાત તાલુકાના ટીમ્બા ગામે રહેતા જગદીશભાઈ ખુશાલભાઈ રોહિત સાથે થયા હતા. દોઢ વર્ષ સુધી લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતુ જેના ફળસ્વરૂપે એક પુત્રીનો જન્મ થયો હતો. જો કે પુત્રી થયા બાદ પતિના સ્વભાવમાં ફેરફાર થઈ ગયો હતો અને ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. જેમાં સાસુ અંબાબેન, કાકા સસરા પરસોત્તમભાઈ રામાભાઈ રોહિત તથા દેરાણી વર્ષાબેન કિરણભાઈ રોહિત દ્વારા ચઢવણી કરવામાં આવતાં તેણીના ત્રાસમાં વધારો થઈ જવા પામ્યો હતો. 
ત્યારબાદ પતિ દ્વારા દહેજમાં સોનાના દાગીનાની માંગણી કરી હતી જે માંગણી ના સંતોષતા તેણી પરના ત્રાસમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. આખરે તેણીને પિયર કાઢી મૂકવામાં આવી હતી. પતિ દ્વારા ત્યાં પણ આવીને ગમે તેવી ગાળો બોલીને મારઝુડ કરવામાં આવતાં ના છુટકે સુમિત્રાબેને આણંદના મહિલા પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.

(5:07 pm IST)