ગુજરાત
News of Friday, 12th October 2018

સરકાર અછતનો તાગ મેળવવામાં વ્યસ્ત : કેન્દ્ર પાસે મોટી સહાય મંગાશે

મોસાળે જમણ અને માં પીરસનારી... હવે ખબર પડશે કેવું પીરસે છે ! : રાજ્યભરમાંથી આંકડાકીય અહેવાલ મંગાવાયો : વધુ કેટલાય તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવા પડશે

રાજકોટ, તા. ૧૨ :. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અપુરતા વરસાદના કારણે અછતના વાદળો ઘેરાય ગયા છે. ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે. હજુ શિયાળો શરૂ નથી થયો ત્યાં જ પાણીનો દેકારો શરૂ થઈ ગયો છે. અછતની કારમી પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે આયોજન શરૂ કર્યુ છે. કુદરતી આપત્તી હોવાથી કેન્દ્ર પાસેથી સહાય મળવા પાત્ર છે. સહાય માટેનું આવેદન તૈયાર કરવા માટે રાજ્ય સરકારે અછતની સ્થિતિનો જિલ્લાવાર અહેવાલ માગ્યો છે.

અગાઉ સરકારે સમગ્ર કચ્છ સહિત ૧૬ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરેલ. હજુ કેટલાય વધુ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરવા પાત્ર છે. પાણી, ઘાસચારો વગેરેની વ્યવસ્થા શરૂ થઈ ચૂકી છે. કેન્દ્રના નવા માપદંડ મુજબ અછતની વ્યાખ્યામાં આવતા વિસ્તારોનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. બે ચાર દિવસમાં સમગ્ર રાજ્યનું ચિત્ર સત્તાવાર રીતે સામે આવી જાય પછી કેન્દ્ર પાસેથી મોટી સહાય માગવા માટે લેખીત અને મૌખિક રજૂઆત કરવામાં આવશે.

રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે એટલે સહાય સરળતાથી મંજુર થવાની આશા છે. લોકસભાની ચૂંટણીના વર્ષમાં અછતના સામનામાં સરકારની આકરી કસોટી થઈ જશે.

(4:35 pm IST)