ગુજરાત
News of Friday, 12th October 2018

કોંગ્રેસના સંગઠન માળખાની રચનાને દશેરા સુધી 'બ્રેક' !

પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતાએ લીસ્ટ ફાઈનલ કર્યુ પરંતુ રાજ્ય પ્રભારીની 'લીલી ઝંડી' ન લાગીઃ રાજીવ સાતવ વિદેશ પ્રવાસે :રાજ્ય પ્રભારી ૧૮મીએ પરત આવ્યા બાદ આગળ ધપશે મામલોઃ શહેરમાંથી ડો. વસાવડા, ભટ્ટી, ડાંગર, રાજપૂત, કાંબલીયા, મકવાણાને મળશે સ્થાન :શહેરોમાં પ્રમુખ ઉપરાંત કાર્યકારી પ્રમુખોની પણ નિમણૂંકની શકયતા

રાજકોટ, તા. ૧૨ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જમ્બો માળખાની જાહેરાત છેલ્લા ઘણા સમયથી પાછી ઠેલાઈ રહી છે ત્યારે વધુ એક વખત નવા માળખાની રચનાને બ્રેક લાગી છે. દશેરા બાદ જ હવે રચના શકય બની શકે તેમ છે કારણ કે રાજ્યના પ્રભારી રાજીવ સાતવ નવી યાદીને મંજુરીની મ્હોર મારી શકયા નથી. હાલ ૧૮મી સુધી તેઓ વિદેશ પ્રવાસે હોય હવે સંભવત ૨૦મીએ નવુ માળખુ તથા શહેર જિલ્લા પ્રમુખની વરણી જાહેર થાય તેમ મનાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ તૈયાર થયેલ યાદી બાબતે રાષ્ટ્રીય પ્રમુખે નારાજગી વ્યકત કરીને પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતાને સાથે બેસીને નવેસરથી યાદી તૈયાર કરવા તથા તમામ સમાજના આગેવાનોનો સમાવેશ થઈ જાય તેની તકેદારી રાખવા સૂચના આપી હતી.

એમ કહેવાય છે કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સાથે બેસીને સર્વગ્રાહી યાદી તૈયાર કરી હતી પરંતુ આ યાદી રાજીવ સાતવ એપ્રુવ્ડ કરે તે પહેલા તેઓને વિદેશ પ્રવાસે જવાનું થતા ફાઈનલ નિર્ણય લઈ શકાયો નહી હોવાનું મનાય છે.

રાજ્ય પ્રભારી રાજીવ સાતવજી આગામી ૧૭ કે ૧૮ના ભારત પરત ફરનાર હોવાનું મનાય છે ત્યારે સંભવત ૨૦મીએ પ્રદેશ કોંગ્રેસ સંગઠન માળખાનો નિર્ણય થઈ જાય અને જાહેરાત પણ સંભવ બને તેમ મનાય છે.

રાજ્ય પ્રભારી રાજીવ સાતવના નેજા હેઠળ ધડાધડ યોગ્ય પદ્ધતિએ યોગ્ય વ્યકિતને યોગ્ય સંગઠન માળખાનું સુકાન સોંપવામાં આવે તેવા ચક્રો ગતિમાન થયા છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં રાજ્યનો સતત પ્રવાસ કરનાર રાજીવ સાતવ તથા સહપ્રભારીઓ કોંગ્રેસની તમામ ગતિવિધિઓથી વાકેફ છે ત્યારે કોંગ્રેસ સાચા ટ્રેક પર દોડી રહ્યાની લાગણી પણ જન્મી છે.

હાલ તો સંગઠન માળખામાંની નવરચનાને દશેરા સુધીની બ્રેક લાગી છે ત્યારે આગામી સંગઠન માળખુ જમ્બો માળખુ હશે અને આ માળખામાં રાજકોટ શહેરમાંથી ડો. હેમાંગ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, અશોક ડાંગર, મહેશ રાજપૂત, મુકેશ ચાવડા, ડો. ધરમ કાંબલીયા, ડી.પી. મકવાણા સહિતના આગેવાનોનો સમાવેશ નિશ્ચિત હોવાનું મનાય છે.

શહેર પ્રમુખ તરીકે પ્રદિપ ત્રિવેદીનું નામ નિશ્ચિત મનાય છે. જો કે અશોક ડાંગરના કોંગ્રેસ પ્રવેશ બાદ થોડા ફેરફારની સંભાવનાની ચર્ચા હતી પરંતુ ભાજપમાંથી પ્રવેશ સાથે જ શહેર પ્રમુખ પદ સુપ્રત થાય તેવી શકયતા ન હોવાનું પણ ચર્ચાય છે.

(3:47 pm IST)