ગુજરાત
News of Friday, 12th October 2018

શા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ માત્ર હિન્દુ ધર્મના જ પવિત્ર સ્‍થાનોને વિકાસ કરવા માટે ફંડ આપે છે ? હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે સ્‍પષ્‍ટતા માંગી

અમદાવાદ: બુધવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટતા માગી કે, શા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ માત્ર હિંદુ ધર્મના પવિત્ર સ્થાનોનો વિકાસ કરવા માટે ફંડ આપે છે? ચીફ જસ્ટિસ આર. એસ. રેડ્ડી અને જસ્ટીસ વી.એમ પંચોલીની બેન્ચે સરકારના વકીલને મામલે સત્તાધિકારીઓ પાસેથી યોગ્ય સૂચનો મેળવી લાવવાનો આદેશ કર્યો છે. ગુજરાત સરકારની બિનસાંપ્રદાયિકતા સામે સવાલ ઉઠાવતી PILના જવાબમાં હાઈકોર્ટે સ્પષ્ટતા માગી છે.

અરજીકર્તા મુજાહિદ નફીઝે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે ફંડ ફાળવણીમાં ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, શીખ, બુદ્ધ અને જરથ્રુષ્ટ ધર્મને બાકાત રાખીને માત્ર હિંદુ ધર્મના 358 પવિત્ર સ્થાનોના વિકાસ માટે ફંડ ફાળવ્યું હોવાની રજૂઆત કરી છે. અરજીકર્તાના વકીલ કે. આર. કોષ્ટીએ દલીલ કરી કે, માત્ર એક ધર્મના ધાર્મિક સ્થાનોને મહત્વ આપવું અને અન્ય ધર્મના ધાર્મિક સ્થાનોની અવગણના કરવી તે ગેરકાયદેસર અને ભારતના બંધારણનું હનન ગણાય.

PILમાં રજૂઆત કરાઈ કે, રાજ્ય સરકાર તરફથી બિનસાંપ્રદાયિકતાની આશા રાખવામાં આવી છે એટલે સરકાર રાજ્યના દરેક ધર્મના નાગરિકો દ્વારા ચૂકવવામાં આવેલા ટેક્સને એક ધર્મના પવિત્ર સ્થાનોના વિકાસ અને મેનટેનન્સ પાછળ વાપરી શકે. જનતાના રૂપિયા કોઈ એક ધર્મના ધાર્મિક સ્થાનોના પ્રોત્સાહન અને જાળવણી પાછળ વપરાવવા જોઈએ. અરજીકર્તાએ રાજ્ય સરકારે હિંદુ ધાર્મિક સ્થળો પાછળ કરેલા ખર્ચા પણ કોર્ટમાં રજૂ કર્યા છે, એક ધર્મના પવિત્ર સ્થળો પાછળ ખર્ચો કરવો બોર્ડના નિયમો વિરુદ્ધ છે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનું ફંડ યાત્રાળુઓ માટે ધાર્મિક સ્થાનો પર સુવિધા ઊભી કરવા માટે છે નહીં કે મંદિરની જાળવણી માટે. પવિત્ર યાત્રધામ વિકાસ બોર્ડની રચના 1995માં થઈ અને તેના બે વર્ષ બાદ અંબાજી, ડાકોર, ગિરનાર, પાલીતાણા, સોમનાથ અને દ્વારકાનેપવિત્ર યાત્રાધામજાહેર કરવામાં આવ્યા. અને હવે લગભગ બે દાયકાથી વધુ સમય બાદ લિસ્ટમાં 358 મંદિરોનો સમાવેશ થાય છે. લિસ્ટમાં અન્ય ધર્મના પવિત્ર સ્થળોને બાકાત રાખવામાં આવ્યા, જે સરકારના બિનસાંપ્રદાયિકતા સિદ્ધાંતો પર પ્રશ્નાર્થ મૂકે છે. મામલે વધુ સુનાવણી 12 ડિસેમ્બરે થશે.

(5:59 pm IST)