ગુજરાત
News of Saturday, 12th September 2020

RTEમાં પ્રથમ તબક્કામાં ૭૫૬૨૯ વિદ્યાર્થીઓને શાળાઓની ફાળવણી ૧૮મીએ બીજો પ્રવેશ રાઉન્ડ

૯૬ હજાર બેઠકો માટે ૨૪૪૪૦૦ છાત્રોએ પ્રવેશ ફોર્મ ભર્યુ હતું : હજુ ૨૦ હજાર બેઠકો ખાલી

રાજકોટ, તા. ૧૨ : શિક્ષણનો અધિકાર... રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) અંતર્ગત ગુજરાતભરથી ૯૬ હજાર બેઠકો ઉપર ધો.૧માં પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આરટીઈના પ્રથમ રાઉન્ડમાં ૭૫૬૨૯ છાત્રોને શાળાઓની ફાળવણી કરવામાં આવી છે.

રાઈટ ટુ એજ્યુેશન (આરટીઈ) અંતર્ગત હાથ ધરવામાં આવેલી પ્રવેશ કાર્યવાહીમાં ૭૫૬૨૯ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા છતા ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી પડી છે. ખાલી પડેલી બેઠકો માટે હવે અંદાજે ૧૮મી સપ્ટેમ્બરના બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાત રાજયમાં કોવિડ-૧૯ લોકડાઉન અને બાદની સ્થિતિની અસરે ત્રણ થી ચાર મહિના મોડી આરટીઇ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં ૯૬ હજાર બેઠકો માટે અંદાજે ૨ લાખ ૪૪ હજારથી વધુ પ્રવેશ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ફોર્મ ચકાસણીના અંતે ૧ લાખ ૩૩ હજાર ૭૩૮ પ્રવેશ ફોર્મ માન્ય રહ્યા હતા. આ વર્ષે પ્રવેશ માટે બે કેટેગરી ઉમેરીને કુલ ૧૧ કેટેગરીમાં પ્રવેશ ફાળવવામાં આવી રહ્યાનું જાણવા મળે છે.

(3:03 pm IST)