ગુજરાત
News of Thursday, 12th September 2019

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું ભાડું 3000ની આસપાસ રહેશેઃ 2023 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા લક્ષ્યાંક : NHSRCL અધિકારી

હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે અત્યાર સુધીમાં 45 ટકા એટલે કે 622 હેક્ટર જમીનનું સંપાદન

અમદાવાદઃ અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું ભાડું લગભગ 3000ની આસપાસ રહેશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ(NHSRCL)ના એક અધિકારીએ  આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે અત્યાર સુધીમાં 45 ટકા એટલે કે 622 હેક્ટર જમીનનું સંપાદન થઈ ચૂક્યું છે અને બાકીની જમીનના સંપાદનનું કાર્ય ચાલુ છે. 

NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર અચલ ખરે સમગ્ર પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે કુલ 1,380 હેક્ટર જમીનની જરૂર છે, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની મળીને ખાનગી, સરકારી, વન વિભાગ અને રેલવેની જમીનનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 622 હેક્ટર(45 ટકા) જમીનનું સંપાદન થઈ ચૂક્યું છે. અમે આ પ્રોજેક્ટ પુરો કરવાની ડેડલાઈન 2023ને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છીએ."

અચલ ખરેએ વધુમાં જણાવ્યું કે, "આ સમગ્ર પ્રોજેક્ટને કુલ 27 તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. જેમાં સિવિલ વર્કના ટેન્ડર બહાર પડાઈ ચૂક્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં સમુદ્રના નીચેથી પસાર થનારી ટનલના કામનો પણ સમાવેશ થાય છે. આ ટેન્ડર ખોલવાની કાર્યવાહી નવેમ્બર સુધીમાં પુરી થઈ જશે અને આશા છે કે આગામી વર્ષે માર્ચ-એપ્રિલમાં તેનું કામકાજ પણ શરુ થઈ જશે. આ પેકેજમાં વાપી અને વડોદરા વચ્ચેના 237 કિમી લાંબા વાયાડક્ટ, વડોદરા અને અમદાવાદ વચ્ચેના 87 કિમીના માર્ગનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે."

(11:59 pm IST)