ગુજરાત
News of Thursday, 12th September 2019

વાહન ચાલકો માટે રાહત : PUC માટે હવે 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ: HSRP નંબર પ્લેટ માટે વધુ એક માસ મુદ્દત લંબાવાઈ

નાગરિકોને પૂરતો સમય આપવા માટે આ રાહત આપતો નિર્ણય લેવાયો

 

અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ ઍક્ટ (સંશોધન) 2019ને 1લી સપ્ટેમ્બરથી લાગુ કરી દેવાયો છે. ત્યારે ગુજરાતે નિયમોને લાગુ કરવા માટે થોડો સમય લીધો હતો અને CM રૂપાણીએ 10 સપ્ટેમ્બરે બેઠક બાદ ગુજરાતમાં પણ 50 જેટલી કલમોમાં ફેરફાર કરી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના દંડમાં ઘટાડાની જાહેરાત કરી હતી. અને નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગુ પડશે તેમ પણ જણાવ્યું હતું. જો કે નિયમોમાં વાહનચાલકો માટે PUC અને HSRP નંબર પ્લેટને લઈને રાહતના સમાચાર આવ્યાં છે.

આજે PUC અને HSRP નંબર પ્લેટના નિયમને લાગુ કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. PUC દંડના નિયમને 16મી સપ્ટેમ્બરને બદલે 30 સપ્ટેમ્બર 2019 તારીખ નક્કી કરવામાં આવી છે. જ્યારે HSRP નંબર પ્લેટ માટે પણ વધુ એક માસની મુદત લંબાવાઈ છે. મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત બાદ ખાસ કરીને PUC નીકાળવા માટે વાહનચાલકોની સેન્ટર્સ પર લાંબી કતારો જોવા મળી હતી. જેના પગલે નાગરિકોને પૂરતો સમય આપવા માટે આ રાહત આપતો નિર્ણય લેવાયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે નવા મોટર વ્હીકલ એક્ટના નિયમો ગુજરાતમાં આગામી ૧૬ સપ્ટેમ્બરથી લાગુ થવાના છે ત્યારે વાહન ચાલકોએ જરૂરી કાગળો મેળવી લેવા માટે પ્રક્રિયા શરુ કરી દીધી છે. ઉપરાંત CM રૂપાણીની નવા ટ્રાફિક દંડની જાહેરાત બાદ અમદાવાદ સહિત રાજ્યના શહેરોના વિવિધ વિસ્તારોમાં આવેલ પીયુસી સેન્ટરો પર વાહન ચાલકોએ પીયુસી મેળવવા માટે લાંબી કતારો લગાવી હતી.

પહેલા કેન્દ્ર અને ત્યારબાદ રાજ્ય સરકારે પણ નવા મોટર વ્હીકલ એક્ટને લાગુ કરવા માટે જણાવ્યું છે ત્યારે પીયુસીમાં પ્રથમ વાર દંડ ની જોગવાઈ ૫૦૦ રૂપિયા જયારે બીજી વાર ૧૦૦૦ રૂપિયા દંડ કર્યો છે ત્યારે દંડ થી બચવા માટે સત્વારે પીયુસી મેળવી લેવા માટે વાહન ચાલકોએ સેન્ટરો બહાર લાઈનો લગાડી હતી.. અને સાથે જ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો કે સરકારે આવો કડક નિયમ બનાવતા પહેલા લોકોને સમય આપવાની જરૂર હતી.

(10:55 pm IST)