ગુજરાત
News of Thursday, 12th September 2019

ભરૂચના નીચાણવાળા વિસ્તારો ત્રણ દિ'થી પાણીમાં ગરકાવ : વેપાર ધંધા ઠપ: જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે વલખા

ચારેય તરફ પાણી હોવાથી સેંકડો લોકો તેમના જ ઘરોમાં કેદ: કફોડો સ્થિતિમાં મુકાયા

નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીના કારણે નદીમાં પુર આવ્યું છે. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો 3 દિવસથી પાણીમાં ગરકાવ હોવાથી જનજીવન ઠપ થઇ ગયું છે. ચારે તરફ પાણી હોવાથી હવે લોકોના ઘરોમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ ખુટી રહી છે. જયારે ધંધા રોજગાર પણ બંધ થઇ ચુકયાં છે.

 છેલ્લા ચાર વર્ષથી ડેમમાંથી પાણી નહી છોડતા નદી સુકી ભઠ બની ચુકી હતી અને આ વર્ષે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ ફરી એક વખત તેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવી છે. નર્મદા નદી છેલ્લા 3 દિવસથી 30 ફૂટથી વધુની સપાટીએ વહી રહી છે. હાલ નદીની સપાટી 31 ફૂટ પર સ્થિર છે.

ડેમમાંથી પાણીનો જથ્થો ઓછો છોડવાનું પણ નકકી થઇ ચુકયું છે પણ હાલ સૌથી ખરાબ હાલત ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની છે. નર્મદાના પુરના પાણી ફૂરજા, કતોપોર બજાર, દાંડીયાબજાર, ધોળીકુઇ બજારમાં ફરી વળ્યાં છે. લોકોના મકાનો અને દુકાનો પાણીમાં ગરકાવ છે અને જયાં એક સમયે વાહનો ફરતાં હતાં ત્યાં આજે નાવડીઓ અને તરોપાઓ ફરી રહયાં છે. ચારેય તરફ પાણી હોવાથી સેંકડો લોકો તેમના જ ઘરોમાં કેદ થઇ ચુકયાં છે. ઘરની બહાર નીકળી શકાય તેમ ન હોવાથી તેમની હાલત કફોડી બની છે. લોકોના ઘરોમાં હવે જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ ખુટવા લાગી છે. ત્રણ દિવસ ઉપરાંતથી વેપાર ધંધા પણ બંધ થઇ ગયાં છે. ભરૂચ વાસીઓ હવે પાવન સલિલા મા નર્મદાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહયાં છે. ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવે તેવી તેમની માંગણી પણ છે.

(8:08 pm IST)