ગુજરાત
News of Thursday, 12th September 2019

ગણપતિ બાપાને અપાઇ વિદાય : ભાવિકો ભાવવિભોર બન્યા સર્જનહારનું વિસર્જન, વિરમગામમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા

વિરમગામ પંથકમાં નાના મોટા ૩૦૦ થી વધુ ગણપતિ બાપાની મુર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યુ

 વિરમગામ:   વિરમગામ નગર અને તાલુકામાં ઠેર ઠેર વિઘ્નહર્તા ગણપતી બાપાની શાસ્ત્રોક્ત વિધી પુર્વક સ્થાપના કરવામાં આવી હતી. ગુરૂવારે ગણેશોત્સવના છેલ્લા દિવસે વિઘ્નહર્તા વિનાયકને ઢોલ, નગારા, ડીજે, શરણાઇ સાથે વાજતે ગાજતે ઠાઠ માઠથી ભવ્ય વિદાય આપવામાં આવી હતી. વિરમગામના રાજમાર્ગો ગણપતિ બાપા મોરીયા અગલે બરસ તું જલ્દી આના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. પાર્વતી પુત્ર ગજાનંદને વિદાય આપતી વખતે ભાવિકો ભાવવિભોર બન્યા હતા અને સર્જનહાર ગણેશજીની મુર્તિઓનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ.

  વિરમગામ શહેર સહિત અમદાવાદ જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસે વહેલી સવારથી જ ગણેશોત્સવને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિરમગામ પંથકમાં નાના મોટા ૩૦૦ થી વધુ વિઘ્નહર્તા ગણપતિ બાપાની મુર્તિઓનુ ગુરૂવારે વિસર્જન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ શહેરના ગણેશ મહોત્સવના આયોજકો સાથે સંકલન કરી ગંગાસર તળાવના બદલે સતત બીજા વર્ષે વિરમગામ-ડુમાણા રોડ પર તુલસી વાટીકા પાસે  આવેલ કોરી તલાવડીમાં વિઘ્નહર્તાના વિસર્જનની નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણપતિ વિસર્જનના સ્થાન તથા રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું

 . વિરમગામ નગરપાલિકા દ્વારા ગણપતિ બાપાની મોટી મુર્તિઓના વિસર્જન માટે ક્રેઇન અને તરાપાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત નગરપાલીકા પ્રમુખ, નગરપાલિકાની ટીમ, સ્વયંસેવકો ગણેશ વિસર્જનમા મદદરૂપ બન્યા હતા. વિરમગામ ગ્રામ્ય વિસ્તારમાં વલાણાના વડેચી તળાવ, જકસી તલાવડી, કરકથલ તળાવ સહિત વિરમગામ તાલુકામાં અનેક સ્થાનો પર ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ. માંડલ તથા દેત્રોજ તાલુકામાં પણ ગણપતિ બાપાને વાજતે ગાજતે વિદાય આપવામા આવી હતી.

       ગણપતિ બાપાના પંડાલથી વિસર્જન સુધી ઢોલ નગારા ડીજેના તાલ સાથે હજારો ભક્તો નાચ્યા હતાં અને અબીલ ગુલાલની છોળો ઉડાડી હતી. જાહેર માર્ગો પર અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવક મંડળો દ્વારા છાસ, પાણી, સરબત, પ્રસાદ સહીતની વ્યવસ્થા કરવામાં આવી હતી. દસ દિવસ સુધી ગણપતિ બાપાની સેવા પુજા કરનારા અનેક ભક્તો ગણપતિ બાપાની મુર્તિ વિસર્જન દરમ્યાન ભાવુક થઈ ગયા હતા અને ચારેબાજુ જય ગણેશ દેવ, ગણપતિ બાપા મોરિયા નો નાદ સંભાળાઇ રહ્યો હતો.

(8:05 pm IST)