ગુજરાત
News of Thursday, 12th September 2019

માતરમાં પ્રેમ લગ્ન કરી ઘરેથી ભાગી જનાર યુવતીને સાસરિયાએ શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા પોલીસ ફરિયાદ

માતર: શહેરમાં આવેલ માતાવાળી પોળમાં રહેતાં પ્રિતેશભાઈ ઉર્ફે ઓલિયા કાંતિભાઈ કા.પટેલને દેસાઈ પોળમાં રહેતાં પ્રેમજીભાઈ નાનજીભાઈ રાવળની પુત્રી કાજલ સાથે પ્રેમ થઈ જતાં આશરે દશેક વર્ષ પહેલાં આ બંનેએ ઘરેથી ભાગી જઈ પ્રેમલગ્ન કરી લીધાં હતાં. શરૂઆતના દિવસો ભરૂચ અને અમરેલી જિલ્લાના રાજુલામાં ભાડાના મકાનમાં રહી વિતાવ્યાં હતાં. લગ્નફળ રૂપે કાજલને બે સંતાન થયાં હતાં. જેમાં રીયા (ઉં.વ ૭) અને તક્ષ (ઉં.વ ૫) હતાં. મામલો શાંત પડતાં પ્રિતેશ પોતાની પત્નિ કાજલને લઈ માતર પોતાના માવતરને ત્યાં રહેવા આવી ગયો હતો. જો કે માતર આવ્યાં બાદ પ્રિતેશ કોઈ કાંમધંધો કરતો ન હતો. જેથી કાજલને ટીફીન,બ્યુટીપાર્લર, સિવણ વગેરે કામ કરીને પોતાના બાળકોનું ભરણપોષણ કરવુ પડતું હતુ. આ ઉપરાંત પ્રિતેશ પોતાના ભાઈ વિરાંગની મદદથી માનસિક તેમજ શારીરીક ત્રાસ આપતો હતો. જેથી દોઢ મહિના અગાઉ કાજલ તેના બે બાળકો લઈ માવતરના ઘરે ચાલી ગઈ હતી. ગઈકાલે પ્રિતેશ તેને લેવા આવ્યો હતો. તે વખતે પ્રિતેશ તેના પિતા-માતા અને ભાઈ સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. આ બનાવ અંગે કાજલની ફરીયાદને આધારે ગુનો દાખલ કર્યો હતો. 

(5:54 pm IST)