ગુજરાત
News of Thursday, 12th September 2019

આણંદ જિલ્લાના લિંગડામાં રિક્ષામાં પગ લાંબા કરી સૂવું યુવકને ભારે પડ્યું: ટ્રેક્ટર સાથે પગ અથડાતા પગ કપાવવાની નોબત આવતા અરેરાટી

આણંદ:જિલ્લાના લીંગડામાં રહેતાં જયેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ તેમજ તેમના મિત્રો અનિલભાઈ વિક્રમભાઈ સોલંકી અને રૂતેશભાઈ રાજેશભાઈ સોલંકી ગત તા.૫-૯-૧૯ ના રોજ સાંજના સમયે સીએનજી રીક્ષા નં. જીજે-૨૩, ઝેડ-૧૨૭૮ લઈ ઠાસરા તાલુકાના પીપલવાડા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યાં હતાં. તે વખતે જયેશભાઈની તબિયત બરાબર ના હોઈ અને ચક્કર આવતાં હોવાથી તેઓ રીક્ષામાં પાછળની સીટમાં પગ લાંબા કરી સુઈ ગયાં હતાં. અને તેમનો જમણો પગ રીક્ષાની બહાર હતો. તે સમયે સામેથી આવતાં ટ્રેક્ટર સાથે જયેશભાઈનો પગ અથડાતાં તેઓ ગંભીર ઈજાગ્રસ્ત બન્યાં હતાં. જેથી તેઓને સારવાર માટે ઠાસરા સરકારી દવાખાનામાં અને ત્યારબાદ વધુ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં જયેશભાઈ ચૌહાણના પગનું ઓપરેશન કરી તેમનો જમણો પગ ઢીંચણવાસથી કાપવો પડ્યો હતો. 

આ બનાવ અંગે જયેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણની ફરિયાદને આધારે ઠાસરા પોલીસે અજાણ્યાં ટ્રેક્ટરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:52 pm IST)