ગુજરાત
News of Thursday, 12th September 2019

સુરતના અડાજણમાં સ્ટેઈલ્ડ બ્રિજ પરથી સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં મોતની છલાંગ લગાવતા અરેરાટી: પરિવારમાં શોકની લાગણી

સુરત: શહેરના અડાજણ કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી આજે સવારે સી.એ નો અભ્યાસ કરતા આશાસ્પદ વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં એકટીવા મોપેડ અને મોબાઇલ ફોન બ્રિજ પર મુકી મોતની છલાંગ લગાવતા ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવેલા ધસમસતા પાણીના વ્હેણમાં ગરક થઇ ગયો હતો. બ્રિજ પરથી પસાર થતા એક યુવાનની નજર વિદ્યાર્થી પર પડતા તેણે બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન્હોતી.

અડાજણ એલ.પી.સવાણી સર્કલથી પાલ ગૌરવ પથ જવાના રોડ સ્થિત શ્રી ભારતી રેસીડેન્સીમાં રહેતો અને સી.એ (ચાટર્ડ એકાઉન્ટન્ટ) નો અભ્યાસ કરતો રાજ નિલેશ જાદવ (ઉ.વ. 17) આજે સવારે રાબેતા મુજબ ઘરેથી કોલેજ જવાનું કહીને એકટીવા મોપેડ નંબર જીજે-5 એલએફ-5393 લઇને નીકળ્યો હતો. ત્યાર બાદ સવારે અગિયાર વાગ્યાના અરસામાં અડાજણ-અઠવાલાઇન્સને જોડતા કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી અડાજણ તરફ આવવા નીકળ્યો હતો. તે દરમ્યાન બ્રિજ પર વચ્ચોવચ પોતાનું એકટીવા રોડની સાઇડ પર પાર્ક કર્યુ હતું અને તેની ડિક્કીમાં પોતાનો મોબાઇલ ફોન મુકી અને બેગ મોપેડ પર મુકી નદીમાં ઝંપલાવવા માટે બ્રિજની દીવાલ પર બેસી ગયો હતો.

(5:42 pm IST)