ગુજરાત
News of Thursday, 12th September 2019

લોકોમાં ટ્રાફિક પ્રશ્ને જનજાગૃતિ લાવવા માટે સુરતમાં ગણેશ ઉત્સવમાં તમામ લોકો હેલ્મેટ પહેરીને હાજર રહ્યા

સુરત :આ વર્ષે ગણેશોત્સવમાં તહેવારની સાથે લોકોમાં અવેરનેસ પણ જોવા મળી. અનેક ગણેશ મંડળો પર્યાવરણને લઈને જાગૃત જોવા મળ્યા. કોઈએ માટીના ગણેશની સ્થાપના કરી, તો કોઈએ ઈકો-ફ્રેન્ડલી ગણેશ વિસર્જન કર્યું. તો અનેક સોસાયટી અને મંડળોના ગણેશોત્સવમાં સંકલ્પ લેવડાવવામાં આવ્યા. ત્યારે સુરતના એક મંડળમાં હેલમેટ પહેરીને ટ્રાફિક અવેરનેસ લાવવાનો પ્રયાસ કરાયો.

આજે ગણપતિ વિસર્જન છે, ત્યારે સુરતની નંદની સોસાયટીમાં સ્થાપિત ગણેશજી માટે ખાસ આરતીનું આયોજન કરાયું હતું. આરતીમાં સોસાયટીના તમામ લોકોએ હેલમેટ પહેર્યા હતા. સ્ત્રીઓ, પુરુષો તથા આરતીમાં સામેલ થનાર નાના બાળકોએ પણ હેલમેટ પહેરીને હાજરી આપી હતી.

હેલમેટ પહેરીને આરતી કરવા પાછળ સોસાયટીનો હેતુ ટ્રાફિક અવેરનેસ સાથે સંકળાયેલો હતો. લોકો હેલમેટ પહેરીને પોતાની જાતને સુરક્ષિત રાખે તે હેતુથી આવી અનોખી આરતી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં હાલ ઠેરઠેર ગણપતિ વિસર્જનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(5:21 pm IST)