ગુજરાત
News of Thursday, 12th September 2019

અમદાવાદના ખરાબ રસ્તાઓ અંગે તંત્રને ફટકારતા આઇ.કે.

અધિકારીઓ આ રોડ પર ચાલશે? કોન્ટ્રાકટરોની કોઇ જવાબદારી નહિ?

 ગાંધીનગરઃ આજે ભાજપના નેતા આઈ કે જાડેજાએ દ્વારા  અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજયમાં ભારે વરસાદ પડ્યો છે, અમદાવાદમાં પણ ભારે વરસાદના કારણે જાહેર રસ્તાઓની બિસ્માર હાલત થઇ ગઇ છે. ત્યારે આજે શહેરના બિસ્માર હાલતમાં માર્ગ મામલે જાડેજાએ ટ્વીટ કરીને  ચર્ચા જગાવી છે.

ભાજપના નેતા આઈકે જાડેજા દ્વારા ટ્વિટમાં અમદાવાદના બોપલ બ્રીઝથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે, તેની વાત કરી હતી. ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રીઝનું કામ કરી રહેલા કોન્ટ્રાકટરોની કોઈ જ જવાબદારી ઉપસ્થિત નથી થતી? જેવા વેધક સવાલો કરીને પ્રજાની સાથે નેતાઓએ પણ રોષ ઠાલવ્યો હતો.

 નવા મોટર વ્હીકલ હેઠળ વાહન ચાલકો પાસેથી મસમોટા દંડ વસૂલવામાં આવી રહ્યા છે, જેની સામે ગુજરાત સરકારની રસ્તાની કામગીરી સામે નારાજગી વ્યકત કરી રહ્યા છે. ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાએ ટ્વિટ કરીને બિસ્માર રસ્તાઓની પોલ ખોલી છે.

જો કે આઇ.કેના ટોણા, બાદ અધિકારીએ રસ્તાની મરામત માટે દોડતા થઇ ગયાનું જાણવા મળે છે.

(4:16 pm IST)