ગુજરાત
News of Thursday, 12th September 2019

૧૦૦ તાલુકાઓમાં ૮ ઈંચઃ દક્ષિણ ગુજરાતમાં મેઘ પ્રકોપ

ડેમ-તળાવોમાં ભરપુર નીરઃ ઉકાઇ ડેમની સપાટી ૩૪૦ ફુટ નજીકઃ હજી પાણી છોડવાનુ ચાલુ : માંડવી પંથકના ૨૧ ગામો એલર્ટઃ અનેક નદીઓ ઓવરફલોઃ મેઘાવી મહોલ યથાવત

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી તા. ૧૨: રાજ્યભરમાં છેલ્લા ૧૫ દિવસથી સક્રિય બનેલ એક સિસ્ટમને પગલે ભાદરવા માસમાં મેઘરાજાએ અષાઢી માહોલ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના આશરે ૧૦૦ તાલુકાઓમાં ઝરમર ઝાપટાથી ૮ ઈંચ સુધીના ભારે વરસાદ નોંધાયો છે. જેને પગલે જળાશયો છલકાઇ રહ્યા છે. લોક-માતાઓ બે કાંઠે વહેવા લાગી છે. તો ડેમમાંથી મોટીમાત્રામાં પાણી છોડવાની ફરજ પાડતા અનેક વિસ્તારોમાં જળ બંબાકાર સ્થિતી સર્જાઇ છે.

આ સિઝનમાં મેઘરાજાએ પ્રતિભા કરાવ્યા બાદ પોતાની કમી પુરી કરી ત્યારબાદ મોટા ટાર્ગેટ પુરા કરવાના મુડમાં હોય તેમ સાંબલાધાર વરસ્યા અને હવે જોકે ટાર્ગેટ પુરો થયા પછી રાજ્યના અનેક વિસ્તરમાં અનરાધાર વરસી રહ્યા છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીએ ૧૩૭ મીટરનો આંક પાર કરતા ભારે હાલાકી થવા પામી છે.  જેમા સૌથી વધુ મુશ્કેલ ભરૂચ પંથકને થવા પામી છે. અહી નર્મદા નદી ગાંડીતુર થતા ૪૮ કલાક પછી પણ અહી પુરની સ્થિતી જોવા મળી રહી છે.

જ્યારે ઉકાઇ ડેમની જળ સપાટી પણ ૩૪૦ ફુટની નજીક પહોચવા આતુર બની ગઇ છે. આજે સવારે ૮ કલાકે જળ સપાટી ૩૩૯.૭૪ ફુટ પોહંચી છે. ડેમમાં ૭૩.૨૯૯ કયુસેક પાણીના ઈનફલો સામે ૧,૨૦,૯૭૪ કયુસેક પાણી છોડાતા અહી તાપી નદી ગાંડીતુર થઇ છે.

જેને પગલે સુરત પંથકના કાંજવેની જળ સપાટી ૭ દરવાજા ખોલી અહીથી મોટી મોટી માત્રામાં પાણી છોડાતા આશરે ૨૦ થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત  સાગબારા પંથકમાં ચોપડવાવ ડેમ અને કાકડીઆંબા ડેમ પુનઃ ઓવરફલો થયા છે. અને હજુપણ જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

ફલદ કારોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદમાં સૌપ્રથમ દ.ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં અંકલેશ્વર ૩૨મીમી, ભરૂચ ૧૪મીમી, નેત્રંગ ૨૮ મીમી, તો નર્મદા જીલ્લાના તાલુકાઓમાં સાગબારા ૧૯મીમી તથા તાપી જીલ્લાના તાલુકાઓમાં નિજ્જર ૪૮ મીમી, ઉચ્છલ ૧૬ મીમી, વ્યારા ૨૦મીમી, ડાલવઠા ૨૯ મીમી, અન કુંકમુંડા ૩૧ મીમી વરસાદ નોંાયેલ છે. જ્યારે સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૧૭ મીમી, આયદસા ૩૮ મીમી, કામરેજ ૪૨ મીમી, માંડવી ૨૩ મીમી, સ્વેલપાડ ૧૨મીમી ,સુરત સીટી ૨૮ મીમી અને ઉમરપાડા ૧૦૮ મીમી, તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં વધઇ ૨૧ મીમી વરસાદ નોંધાયલ છે.

આ ઉપરાંત નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચાખલી ૫૫મીમી, ગઠાદેવી ૩૮મીમી, જલાલપાર ૩૫ મીમી, ખરેગામ ૫૨ મીમી, નવસારી ૨૩ મીમી અને વાંસદા ૪૦ મીમી વરસાદ નોંધાયેલ છે તથા ગુજરાતના છેવાડાના વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૫૪મીમી, કપરાડા ૩૯મીમી પારડી ૭૪ મીમી, ઉમરગામ ૫ મીમી, વાપી ૬૪ મીમી, અને વલસાડ ૧૧૦ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

જોકે આ ઉપરાંત પૂર્વ - મધ્ય- ઉત્તર ગુજરાત તેમજ કચ્છ પંથકના મોટા ભાગના વિસ્તાર કોરાધાકડ રહેવા પામ્યા છે.

આ લખાઇ રહ્યુ છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે.

(3:41 pm IST)