ગુજરાત
News of Thursday, 12th September 2019

ટોચના કોંગી નેતાઓ સાથે સોનીયાજીની મહત્વની મંત્રણા

ગુજરાતનું ૪૦૦ હોદેદારોનું જમ્બો સંગઠન વિખેરાઈ શકે છેઃ પ્રદેશ પ્રમુખો, મહામંત્રીઓ તથા વિપક્ષી નેતાઓ સાથે મંત્રણાનો દિલ્હીમાં ધમધમાટઃ પ્રદેશ પ્રમુખ હોદ્દા પર ચાલુ રહી શકે છેઃ ગુજરાતમાં જબરા ફેરફારની હીલચાલઃ સંગઠનનું કદ નાનુ થવાની સંભાવનાઃ શહેર-જીલ્લા પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરીને તૂર્તમાં ફેરફારો આવી રહ્યાની ચર્ચા

રાજકોટ, તા. ૧૨ :. ગુજરાતનું પ્રદેશ કોંગ્રેસ સંગઠન માળખુ વિખેરી અસરકારક નાનુ માળખુ ગોઠવવાની હિલચાલ ઘણા સમયથી શરૂ થઈ ગયાના વાવડ વચ્ચે આજે બપોરના ૧૧ વાગ્યાથી દિલ્હીમાં ૨૪ અકબર રોડ ખાતે દેશના તમામ પ્રદેશ પ્રમુખો, મહામંત્રીઓ, વિપક્ષી નેતાઓ સાથે રાષ્ટ્રીય પ્રમુખ સોનીયા ગાંધીએ મહત્વની મંત્રણા શરૂ કરી છે. ગુજરાતનું ૪૦૦ હોદેદારોના બનેલા જમ્બો સંગઠનને વિખેરી નાખવાની દિશામાં ઝડપથી નિર્ણય લેવાય તેવી સંભાવના કોંગી વર્તુળો નિહાળી રહ્યા છે.

કોંગ્રેસી સંગઠનને દેશભરમાં ચેતનવંતુ બનાવવા માટે રાષ્ટ્રીય પ્રમુખ સોનીયા ગાંધીએ પ્રયાસો આદર્યા છે ત્યારે આજે રાષ્ટ્રીય આગેવાનો, પ્રદેશ પ્રમુખો તથા વિપક્ષી નેતાઓની એક બેઠકનો પ્રારંભ દિલ્હી ખાતે થયો છે. એક સંયુકત બેઠક બાદ રાજ્યવાર આગેવાનો તથા રાજ્ય પ્રભારીઓ સાથે મંત્રણાનો દોર કરી સંગઠનમાં નવા પ્રાણ ફુંકવાની દિશામાં નિર્ણયો લેવાય શકે છે.

તાજેતરમાં પ્રદેશના ટોચના નેતાઓ સાથે રાજ્ય પ્રભારી રાજીવ સાતવજીએ કરેલ મહત્વની મંત્રણાઓમાં તેમણે કેટલાક દિશા સૂચનો તથા એંધાણો પણ આપ્યા હતા.

માહિતગાર વર્તુળોમાંથી મળતા સંકેતો મુજબ લોકસભા ચૂંટણી અગાઉ ગોઠવાયેલા પ્રદેશ સંગઠનના ૪૦૦ જેટલા હોદેદારોના જમ્બો સંગઠનને વિખેરી નાખવામાં આવે તેવા નિર્દેશો મળે છે.

એમ કહેવાય છે કે પ્રદેશના માળખાને અસરકારક બનાવવા નાનુ પરંતુ મજબુત સંગઠન માળખુ ગોઠવાશે. તૂર્તમાં વિધાનસભાની અડધો ડઝન બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાનાર છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ તરીકે યથાવત રાખીને નવા સંગઠનની રચના તરફ પ્રયાસો આદરાશે તેમ મનાય છે.

આજે રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે ત્યારે તેમાં જ મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી પુરતી સંભાવના છે.

પ્રદેશ માળખાના વિસર્જન અને નવા માળખાની કવાયત ઉપરાંત ગુજરાતના મુખ્ય શહેરો તથા જીલ્લા સંગઠનની પણ કામગીરીની સમિક્ષા કરીને ધરમૂળમાંથી ફેરફારો પણ કરાશે તેવા વાવડ મળી રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસ વર્તુળોમાં છાનાખૂણે ચર્ચાતી વિગતો મુજબ કોંગ્રેસ નેતૃત્વ ચોક્કસ અનિર્ણિત દશામાં દિશાવિહિન છે પરંતુ આગામી વિધાનસભા પેટાચૂંટણીમાં પક્ષના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાઓ પૂર્ણ કરી ચૂકી છે. નેતાગીરી એવુ માની રહી છે કે પક્ષ ઈવીએમના આશિર્વાદથી પરાજિત થયો છે, હાર્યો નથી.

ગુજરાત પ્રદેશના જમ્બો સંગઠનમાં દલા તરવાડીની વાર્તા મુજબ લઈ લઉ બે-ચાર હોદ્દા અરે લઈ લ્યો દશ-બારની નીતિથી ૪૦૦ નિષ્ફળ નેતાગીરીનું સંગઠન થયુ છે. એક વર્તુળ સ્પષ્ટ માને છે કે આ સંગઠનને શા માટે વિસર્જિત કરાતુ નથી ? તે જ સમજી શકાતુ નથી.  ચોક્કસ જુથ એવુ પણ ચર્ચી રહ્યુ છે કે પક્ષના કોઈપણ કાર્યક્રમો હોય કે મીટીંગ હોય પરિણામલક્ષી માલૂમ પડતી નથી. જનતા પણ જોડાઈ શકે તેવા કાર્યક્રમોથી નેતાગીરી શા માટે દૂર રહે છે? તે કોઈને સમજાતુ નથી. અમુક લોકો સ્પષ્ટ માને છે કે, પક્ષની આંતરિક બાબતમાં બહારની કોઈ એજન્સી કાર્યરત હોવી જ જોઈએ નહિ. ગુજરાત કોંગ્રેસમાં હાલમાં નારાજ ચાલી રહેલા આગેવાનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહ્યાનું પણ આ વર્તુળો માની રહ્યા છે.

(11:31 am IST)