ગુજરાત
News of Thursday, 12th September 2019

રાજ્યમાં ૪૮ કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે

રાજ્યમાં સિઝનનો ૧૧૬.૫૯ ટકા વરસાદ : ચેતવણીના લીધે માછીમારોને દરિયો નહી ખેડવા તાકીદ

અમદાવાદ, તા.૧૧ : ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જે વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદાનગર હવેલીનો સમાવેશ થાય છે. ભારે વરસાદના લીધે એકબાજુ ગુજરાતમાં હાલત કફોડી બનેલી છે. ત્યારે બીજી બાજુ હજુ રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. ગુજરાતમાં વરસાદી માહોલ બનેલો છે. રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં સીઝનનો સૌથી વધુ ૧૧૬.૫૯ ટકા વરસાદ આ વખતના ચોમાસામાં નોંધાયો છે, ત્યારે હવામાન વિભાગે હજુ ૪૮ કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેના પગલે માછીમારોને દરિયો નહી ખેડવા સૂચના આપવામાં આવી છે. હજુ આગામી ૪૮ કલાક દરમ્યાન રાજયમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેથી ૧૦૦ ટકા કરતા વધુ વરસાદવાળા જિલ્લાઓમાં અતિવૃષ્ટિના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ પડેલા જિલ્લાઓમાં ભરૂચમાં ૧૫૫ ટકા, ડાંગ ૧૨૬ ટકા, વલસાડ ૧૨૫ ટકા વરસાદ નોંધાઈ ગયો છે.

(8:31 pm IST)