ગુજરાત
News of Thursday, 12th September 2019

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં હજુય મેઘમહેર : આઠ ઇંચ સુધી વરસાદ

જામખંભાળિયામાં ચાર કલાકમાં જ આઠ ઇંચ વરસાદ ખાબક્યો : માંગરોળમાં કલાકોના ગાળામાં ચાર ઇંચથી વધારે વરસાદ પડતા ચારે બાજુ જળબંબાકાર : છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૯૫ તાલુકાઓમાં નોંધાયેલો વરસાદ

અમદાવાદ,તા.૧૧ : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોનસુન જોરદાર રીતે સક્રિય રહ્યું છે. બીજીબાજુ ગીરસોમનાથ, જુનાગઢમાં ભારે વરસાદ થયો છે. બીજીબાજુ જામખંભાળિયામાં માત્ર ચાર કલાક ગાળામાં આઠ ઇંચથી વધુ વરસાદ થતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સજાઈ ગઈ છે. આવી જ રીતે સુત્રાપાડામાં આઠ ઇંચથી વધુ વરસાદ થયો છે. વિસાવદરમાં પણ આઠ ઇંચ જેટલો વરસાદ થયો છે. ઉમરપાડામાં ગઈકાલે ૧૬ ઇંચ વરસાદ થયા બાદ આજે પણ અતિભારે વરસાદ જારી રહ્યો હતો અને વધુ ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. જલાલપોરમાં કલાકોના ગાળામાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત ગીર સોમનાથના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આજે સવારેથી ૮૫ તાલુકાઓમાં વરસાદ થયો છે. આજે સવારે છ કલાકના ગાળામાં માંગરોળમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો.

         માણવદરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. કેસોદમાં બે ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજકોટ, અમરેલી પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યભરમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૯૫ તાલકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ૨૦૦ મી.મી. અને જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૧૯૫ મી.મી. એટલે કે આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.  રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજ તા.૧૧ સપ્ટેમ્બર સવારે ૬.૦૦ કલાક સુધીમાં વેરાવળ તાલુકામાં ૧૦૫ મી.મી., કોડીનારમાં ૧૦૦ મી.મી. અને જલાલપોરમાં ૯૮ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત ચોર્યાસી તાલુકામાં ૯૪ મી.મી., નવસારીમાં ૯૨ મી.મી., વાપીમાં ૯૦ મી.મી., મહુવામાં ૮૮ મી.મી.,અમદાવાદ શહેર અને ગઢડામાં ૮૫ મી.મી., દહેગામ અને ડોલવણમાં ૮૫ મી.મી., રાજુલા-માંગરોળમાં ૭૮ મી.મી., સાવરકુંડલામાં ૭૫ મી.મી. મળી કુલ ૧૧ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે કડી, ડભોઇ, બોટાદ, માલપુર, વલ્લભીપુર, ગાંધીનગર, ખંભાત, માંડવી, જાંબુઘોડા, સાણંદ, વાલોડ, માંગરોળ, જાફરાબાદ, વાગરા, કપરાડા, વંથલી, ધંધૂકા, મહુધા, પારડી, વસો, થરાદ, દસક્રોઇ, બગસરા, કામરેજ, વલસાડ, ધોલેરા, મહેમદાવાદ અને ઘોઘા મળી કુલ ૨૮ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૫૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. આજે તા. ૧૧/૦૯/૨૦૧૯ને સવારે ૬.૦૦  થી ૧૨.૦૦ કલાક સુધીમાં માણાવદરમાં ત્રણ ઇંચથી વધુ, કુતિયાણા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, વિસાવદર, માંગરોળ, કેશોદમાં બે ઇંચથી વધુ અને તલાળા, વડીયા, ભેંસાણમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

(8:30 pm IST)