ગુજરાત
News of Friday, 12th July 2019

સુરતના યુવાઓને ડ્રગ્સના રવાડે ચડાવવાના નેટવર્કનો પર્દાફાશ : 9,80 લાખના એમડી ડ્રગ્સની આપ-લે કરતા ત્રણ શખ્શો ઝડપાયા

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા :મુંબઈથી ડ્રગ્સ લઈને આવેલા સુરતના બે યુવાનો ફરાર

 

સુરતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને સફળતા સાંપડી છે. ભાગા તળાવ, જે.કે. ચેમ્બર નજીક જાહેરમાં . 9.80 લાખની કિંમતના 196 ગ્રામ એમડી ડ્રગની આપ-લે કરતા ત્રણ શખ્શો ઝડપાયા છે  આ ડ્રગ મુંબઇથી સુરત પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસની  તપાસમાં બહાર આવ્યું છે. મુંબઇથી ડ્રગ લઈ સુરત આવેલા બે યુવાન ફરાર છે.

 

  સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભાગા તળાવ નજીક કેટલાક યુવાનો ડ્રગ લેવા આવવાના છે તેવી બાતમીના આધારે  એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. જેમાં મોહંમદ જુનેદ અબ્દુલરજાક ચાંદીવાલા, ગુલામ સાબિર ઉર્ફે સમીર મોહંમદ સલીમ કુરેશી અને અશફાક અફઝલ કુરેશીને પકડી પાડ્યા હતા. ત્રણેય પાસેથી રૂપિયા 9.80 લાખની કિંમતનું મેફેડ્રોન (મેથાફેટામાઇન) એટલે કે એમડી ડ્રગ કબજે કરાયું છે.
  ઝડપાયેલું ડ્રગ્સ મુંબઇનો કોઇ યુવાન આપી ગયો હોવાનું પુછપરછમાં જાણવા મળ્યું હતું. મુંબઈથી આવેલા બે યુવાન હાલ ફરાર છે. મુંબઇથી આ રીતે એમડી ડ્રગ મગાવી સુરતમાં કોલેજિયન યુવાનોને નશાના રવાડે ચડાવાતા હતા. પોલીસે આ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે.જોકે પોલીસે આ ઘટનામાં 3 લોકોની ધરપકડ કરી છે અને 2 લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે
   જોકે આ ઘટનામાં પકડાયેલા યુવાન મોઢા પર રૂમાલ બાંધી આ નશાનો કારોબાર કરતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તથા સમગ્ર ગેંગમાં કુલ કેટલા માણસો અને મુંબઇથી કેવી રીતે ડ્રગ્સ લાવવામાં આવતું તે અંગે તપાસ હાથ ધરી છે

 

(12:21 am IST)