ગુજરાત
News of Friday, 12th July 2019

સ્પ્રેથી દવાનો છંટકાવ કરી રણતીડનો સફાયો: ખેડૂતોને મોટી રાહત મળી ગઈ છે

અમદાવાદ,તા.૧૨: તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં પાકિસ્તાનથી આવેલા તીડના ટોળા ખેડૂતોના ખતેરો ઉપર ત્રાટકતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો. તીડો ખેડૂતોના ખેતરોમાં ઇંડા મુકતા હોવાથી તે બીજા હજારો તીડોનો જન્મ આપતા હોય છે જેનાથી ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન થાય છે. તીડથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતું અટકાવી શકાય અને ખેડૂતો શાંતિથી રહી શકે તે માટે તીડના આક્રમણ સામે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ત્વરીત પગલા લેવાતાં ખેડૂતોને હાશકારો અનુભાવાયો છે. તીડ નિયંત્રણ માટે કેન્દ્રની ટીમો અને જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારીઓ વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં કેમ્પ કરી ખડેપગે તીડ નિયંત્રણની કામગીરી કરી રહ્યા છે. તા. ૧૧ જુલાઇ-૨૦૧૯ સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના લોદ્રાણી, બુકણા, અસારાવાસ, નાળોદર અને માવસરી તથા સૂઇગામ તાલુકાના મેઘપુરા, સૂઇગામ, પાડણ અને ભરડવા ગામમાં તથા તે વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં કુલ- ૪૦૦ હેક્ટર વિસ્તારમાં સ્પ્રેથી જંતુનાશક દવા (મેલાથીઓન ૯૬ ટકા યુએલવી) નો છંટકાવ કરવામાં આવ્યો છે. જેનાથી તીડનું નિયંત્રણ કરી શકાયું છે.

(9:53 pm IST)