ગુજરાત
News of Friday, 12th July 2019

રાજ્યના યુવા વિદ્યાર્થીઓને ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો અભ્યાસ લાભ ઘર આંગણે મળશે

મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને કેલીર્ફોનીયાની યુ.એસ. ઇન્સ્ટીટયૂટ ઓફ ૩-ડી ટેકનોલોજી વચ્ચે MOU સંપન્ન થયા

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને યુ.એસ.એ. કેલીર્ફોનીયાની યુ.એસ. ઇન્સ્ટીટયૂટ ઓફ ૩-ડી ટેકનોલોજી વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.ગુજરાતના યુવા વિદ્યાર્થીઓ વૈશ્વિકસ્તરે વિવિધ સેકટર્સમાં ખૂબ ઉપયોગી એવી આ ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજીથી અવગત થાય અને પોતાની કોલેજ-શાળાની પ્રયોગ શાળામાં તેનો ઉપયોગ કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે આ MOU કર્યા છે. 

મુખ્યમંત્રીની પ્રેરણા અને માર્ગદર્શનથી શિક્ષણ વિભાગે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી અન્વયે રાજ્યમાં ૭ સ્થળોએ આ ૩-ડી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવાની પહેલ કરી છે. તદ્દઅનુસાર, વિશ્વકર્મા ગવર્મેન્ટ ઇજનેરી કોલેજ ચાંદખેડા, અમદાવાદ ગવર્નમેન્ટ ઇજનેરી કોલેજ ગાંધીનગર, ભરૂચ, રાજકોટ, આઇ-હબ, એમ.એસ. પોલિટેકનીક બરોડા તથા કલોલની સરકારી ટેકનીકલ હાઇસ્કૂલમાં તથા ગુજરાતની અન્ય ટેકનીકલ સંસ્થાઓમાં આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને પોતાના વિચારોને પ્રોડકટમાં રૂપાંતર કરવામાં મદદરૂપ થશે.

  મુખ્યમંત્રી અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે તથા શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માની ઉપસ્થિતીમાં આ સમજૂતિ કરાર પર ગુજરાત નોલેજ સોસાયટીના એડીશનલ સી.ઇ.ઓ  ભુપતાણી અને યુ.એસ. આઇ ૩-ડી.ટી. વતી સી.ઇ.ઓ. શ્રી દિલીપ મેનેઝિસે હસ્તાક્ષર કર્યા હતા. 

  અત્રે ઉલ્લેખનીય છે કે  આ પ્રોજેકટને પરિણામે ટેકનીકલ, ઇજનેરી સંસ્થામાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ, સંશોધકો, પ્રોફેશનલ્સ તેમજ ઔદ્યોગિક કાર્યબળની બહેતર કુશળતા પ્રાપ્ત કરાવવા સાથોસાથ ટેકનીકલ શિક્ષણ અભ્યાસક્રમ વધુ અપડેટ થશે અને ઉદ્યોગ જરૂરિયાતો સાથે સંલગ્ન રહેશે તથા ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી, ઉદ્યોગની જરૂરિયાતો અને તેમને વધુ રોજગારી આપવાની સાથે સાથે વિદ્યાર્થીઓ, સ્ટાર્ટ-અપ્સ, સંશોધનકારો, પ્રોફેશનલ્સ તેમજ ઔદ્યોગિક વર્ક ફોર્સને તાલીમ આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. 

સારા મહેનતાણા અને ગ્રોથ સાથે વિદ્યાર્થીઓને ડોમેસ્ટીક અને વિદેશમાં પ્લેસમેન્ટની સુવિધા આ પ્રોજેકટ આપશે. આ ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી અથવા એડિટિવ મેન્યુફેકચરિંગ એવી પ્રક્રિયા છે જેના દ્વારા કમ્પ્યુટર સિસ્ટમની મદદથી ડિજિટલ મોડેલમાંથી કોઇપણ શેપની ત્રિ પરિમાણીય-વસ્તુ બનાવી શકાય છે. વિવિધ શેપના મટિરિયલને કમ્પ્યુટરના નિયંત્રણમાં લેયર બાય લેયર ડીપોઝીશન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. જે વિવિધ ઉદ્યોગોમાં ૩-ડી પ્રિન્ટીંગનો ઉપયોગ થાય છે તેમાં એરોસ્પેસ, મિકેનિકલ અને ઓટોમોટિવ, વાણિજ્યિક ઉત્પાદનો, સિવિલ, આર્કિટેકચર અને ઇન્ટિરિયર ડિઝાઇન, ગ્રાહક ઉત્પાદનો, ઇલેકટ્રોનિકસ, સંરક્ષણ, ડેન્ટલ, તબીબી, ડાઇ અને મોલ્ડ ઉત્પાદન, ફૂડ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, શિક્ષણ વગેરેનો સમાવેશ થાય છે. 

ગુજરાતમાં ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી – સેન્ટર ઓફ એકસેલન્સ (CoE)ની સ્થાપનાથી વિદ્યાર્થીઓને શિક્ષણ અને તાલીમ પ્રાપ્ત થશે, વિવિધ ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર માટે કુશળ વર્કફોર્સ ઉપલબ્ધ બનશે, સ્થાનિક અને વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થવા માટે નવીન ઉત્પાદનો વિકસાવવા માટે એક પ્લેટફોર્મ મળશે, યુવા ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅ૫સ, સર્વિસ અથવા મેન્યુફેકચરીંગ સુવિધા શરૂ કરવાની તક પ્રાપ્ત થવા અને સ્ટાર્ટઅપ્સ પર કોઇ ખર્ચ વિના જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની તક પણ મળશે.

ડી પ્રિન્ટીંગ ટેકનોલોજીના એડવાન્સ સર્ટિફિકેશન કોર્સ ૩ કરેલ વિદ્યાર્થીઓને ૩-ડી પ્રિન્ટીંગ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝમાં ઇન્ટર્નશીપ્સ તથા ઘરેલું તેમજ વિદેશી જોબ પ્લેસમેન્ટ મળી રહેશે. એટલું જ નહિ, આ ટેકનોલોજીનો અભ્યાસ યુવા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા વધારે છે, ડિઝાઇન પ્રક્રિયા શીખવે છે, તેમને ઉત્પાદન વિકાસમાં સહાય કરે છે, સ્કીલ ડેવલપમેન્ટની વ્યાપક તક આપશે અને વિદ્યાર્થીઓ તેમના વિચારોને ઉત્પાદનોમાં રૂપાંતરિત કરી શકશે અને રીઅલ ટાઇમ ઇનોવેશનમાં મદદરૂપ થશે, વિદ્યાર્થીઓ પોતાના સ્ટાર્ટ-અપ અથવા એન્ટરપ્રાઇઝ શરૂ કરી શકશે અને વિદ્યાર્થીઓને ઉદ્યોગ અનુરૂપ વિશિષ્ટ કુશળતા માટે તૈયાર થવાનો લાભ મળશે તેમજ વિધાર્થીઓને વિદેશમાં કામ કરવાની તક મળશે અને તેઓ કસ્ટમાઇઝ્ડ માલ સપ્લાયર બની શકે છે. 

આ MOU સાઇનીંગ વેળાએ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ઉચ્ચ ટેકનીકલ શિક્ષણના ભુપતાણી તેમજ યુ.એસ.આઇ ૩ ડી.ટી.ના ડૉ. યોગી ગાંધી, ડૉ. શશીન શાહ, શ્રીમતી તૃપ્તિ, શ્રી મોહન વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.  

(7:07 pm IST)