ગુજરાત
News of Friday, 12th July 2019

રાજસ્થાનમાં તીડના આક્રમણની અસર હવે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્‍તાર સુઇગામ અને વાવ પંથકમાં જોવા મળીઃ તીડના ઇંડા જોવા મળતા ખેડૂતોમાં ચિંતા

બનાસકાંઠા :રાજસ્થાનમાં તીડનું આક્રમણ વધતા તેની અસર હવે ફરીથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઇગામ અને વાવ પંથકમાં પણ જોવા મળી છે. વાવ અને સુઈગામના 6 ગામોની સીમમાં તીડ દેખાતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તો ખેડૂતોમાં હવે મામલે ડર ભરાયો છે, કારણ કે વાવના અસારા ગામના અસારાવાસ વિસ્તારમાં તીડના ઈંડા દેખાયા છે. દવા છાંટી તીડનો નાશ તો કરાયો, પણ તીડના ઈંડા રહી ગયા છે. જેમાંથી હજારોની સંખ્યામાં તીડના બચ્ચાં તૈયાર થયા છે.

સ્થાનિકોની રજુઆતનું પરિણામ શૂન્ય

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એકવાર ફરીથી તીડ દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 3 કરોડ ચોમીમાં તીડના ઝુંડ ઊડી રહ્યાં છે. તીડ મામલે હાહાકાર મચાવતા અસરગ્રસ્ત પરિસ્થિતિ મામલે વિપક્ષે વિધાનસભા ગૃહમાં સવાલ ઉઠાવ્યા હતા. બનાસકાંઠામાં છેલ્લા એક અઠવાડીયાથી તીડના આક્રમણના મામલે ગુજરાત સરકાર પર સવાલો ઉઠતા અને કૃષિ મંત્રીને વિધાનસભામાં 116 મુજબ ની નોટિસ મળતા તાત્કાલિક કૃષિ મંત્રીએ સરહદી વિસ્તારમાં દોડી આવ્યા હતાં. રાત્રી ના સમયે અસરગ્રસ્ત તીડ વિસ્તારની મુલાકાત લઈ અધિકારીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેના બાદ તીડને દૂર કરવા માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તીડના ઈંડા તો એવા રહી ગયા હતા, આવામાં ઈંડામાંથી બચ્ચાં પેદા થયા છે. તેથી ખેડૂતોની સમસ્યા તો ઠેરની ઠેર છે. ત્યારે તીડના ઈંડાનો નાશ કરાય તેવી લોકોની માંગ છે.

તીડ દેખાતા તંત્ર હરકતમાં આવ્યું છે અને અલગ અલગ ટીમો દ્વારા તીડ પ્રભાવિત એરિયામાં નિરીક્ષણ કરીને દવાનો છંટકાવ કરીને તેનું કંટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને તીડના કારણે નુકશાન થાય તેવી કોઈ શક્યતા હાલ નથી. તેમ છતાં કેન્દ્ર અને રાજ્યની ટીમ સમગ્ર વિસ્તારમાં કાર્યરત છે તેવું જિલ્લા કલેકટરનું કહેવું છે.

ઉભા પાક સાફ કરે છે તીડ

તીડની ખાસિયત છે કે જે વિસ્તારમાંથી તીડ પસાર થાય છે તે વિસ્તારોમાં ઉભેલા પાકનો સફાયો થોડી વારમાં કરી દે છે અને ખેડૂતોનો પાક નષ્ટ પામે છે. ભૂતકાળમાં પણ ખેડૂતો તીડને કારણે નુકશાનીનો સામનો કરી ચૂક્યા છે.

(5:09 pm IST)