ગુજરાત
News of Friday, 12th July 2019

આરોગ્ય તંત્ર જ માંદુ! ૧૨૦૫૫ જગ્યાઓ ખાલી

આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં ૪પ ટકા જગ્યાઓ ખાલી

ગાંધીનગર, તા.૧૨: ગુજરાત રાજયમાં આરોગ્ય સેવાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી ભાજપ સરકારનાં શાસનમાં સિવીલ હોસ્પિટલ તેમજ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કુલ ૧૨,૦૫૫ જગ્યાઓ ખાલી પડેલી છે. જેમાં વર્ગ ૩ અને ૪નાં સ્ટાફની કોન્ટ્રાકટ કે આઉટસોર્સથી કરાતી ભરતી સામે વર્ગ ૧ અને ૨માં સરેરાશ ૪૫ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે આ ખાલી જગ્યાઓ ભરવા માટે ઉગ્ર રજૂઆત કરતાં આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, અગાઉનાં આરોગ્ય મંત્રીઓની જેમ જ જવાબ આપું છું કે, ઉમેદવારો મળે આ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

રાજયના આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી જનરલ હોસ્પિટલમાં તબીબો સહિત વર્ગ ૧થી ૪ સહિતનાં તમામ સ્ટાફની ૪૫ ટકા જગ્યાઓ ખાલી છે. ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આજે શાળા આરોગ્ય તપાસ સહિત વિવિધ સરકારી હોસ્પિટલઓમાં સ્ટાફની ખાલી જગ્યાઓ અંગે પ્રશ્નો પૂછ્યા હતાં. તેનાં લેખિત જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે કે, રાજયની સરકારી સિવીલ અને જનરલ હોસ્પીટલોમાં કુલ ૪૬૪૪ જગ્યાઓ ખાલી છે. જયારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ ૩૯૧૬ તેમજ પ્રાથમિક ૩૪૯૫ જગ્યાઓ ખાલી છે. જેમાં વર્ગ ૩ અને ૪નાં સ્ટાફની કોન્ટ્રાકટ કે આઉટસોર્સથી ભરતી કરવામાં આવે છે. ત્યારે વર્ગ ૧ અને ૨માં સરેરાશ ૪૫ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે.

રાજય સરકારે જણાવ્યુ છે કે, અમદાવાદમાં સિવીલ હોસ્પિટલમાં ૮૩૩, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૬ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૨૮ જગ્યાઓ ખાલી છે. સૌથી વધુ પાટણ જિલ્લામાં સિવીલ હોસ્પિટલમાં ૭૨૬, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ૧૨૦ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૬૨૦ જગ્યાઓ ખાલી છે. જયારે રાજકોટમાં અનુક્રમે ૨૪૪, ૧૬૭ અને ૭૦, સુરતમાં ૨૦૯, ૨૪૩ અને ૧૭૬, વડોદરામાં ૫૦, ૬૯ અને ૩૫ તેમજ વલસાડમાં અનુક્રમે ૫૫૧, ૧૮૦ અને ૨૯૭ જેટલો સ્ટાફ ઓછો છે. બનાસકાંઠામાં અનુક્રમે ૧૯૭, ૨૮૫ અને ૨૧૬ તેમજ મહેસાણા જિલ્લામાં ૨૧૯, ૩૫૭ અને ૨૩ જેટલો સ્ટાફ ઓછો છે.

(4:05 pm IST)