ગુજરાત
News of Friday, 12th July 2019

ગુજરાતમાં સરેરાશ કુલ વરસાદનાં ર૪ ટકા જ વરસાદ થયો છેઃ હજુ બે-ત્રણ દિ' એંધાણ નથી

આજે સવારથી બે વાગ્યા સુધીમાં બારડોલીમાં અડધો ઇંચ, બાકી છૂટાછવાયા ઝાપટા : રાજકોટ જિલ્લામાં ૧ર.૬૯ ટકા, મોરબીમાં ૧૧.૩૯, જામનગરમાં ૧૩.ર૭, દ્વારકામાં ૬.૭ર ટકા

રાજકોટ, તા., ૧રઃ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાંથી મેઘરાજાએ મ્હોં ફેરવી લેતા ચિંતાના વાદળો ઘેરાયા છે. જુલાઇ મહિનો અડધો વિતી ગયો છતાં સંતોષકારક વરસાદ થયો નથી. રાજયમાં દર વર્ષે થતા કુલ વરસાદનો માત્ર ર૪ ટકા વરસાદ જ નોંધાયો છે. વાવણીની દ્રષ્ટિએ ચિંતાની સ્થિતિ છે.

આજે સવારથી બપોરે ર વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના બારડોલીમાં માત્ર અડધો ઇંચ વરસાદ થયો છે. તે સિવાય કયાંક કયાંક હળવા ઝાપટા પડયા છે. આજે કયાંય નોંધપાત્ર વરસાદના વાવડ નથી.

હવામાન ખાતાની વખતોવખતની આગાહી અશકય અથવા અર્ધસત્ય સાબીત થઇ છે. હવામાન ખાતાએ હજુ બે-ચાર દિવસ વાતાવરણ કોરૂધાકોડ રહેવાની આગાહી કરી છે. આ અઠવાડીયું પુરૂ થતા સુધીમાં કયાંય નોંધપાત્ર વરસાદના એંધાણ નથી. રાજકોટ જીલ્લામાં અત્યાર સુધીમાં ૧ર.૬૯ ટકા જ વરસાદ થયો છે. મોરબી જીલ્લામાં ૧૧.૩૯, જામનગરમાં ૧૩.ર૭,  પોરબંદરમાં ૧૪.૩૧, જુનાગઢમાં ર૦.૧ અને ગીર સોમનાથમાં ર૯.૮૦ ટકા વરસાદ નોંધાયો છે.ગયુ વર્ષ નબળુ વર્ષ હતું. સતત બીજા વર્ષે વરસાદની ખેંચ લેતા લોકોના જીવ તાળવે ચોટી ગયા છે.

(4:04 pm IST)