ગુજરાત
News of Friday, 12th July 2019

વડોદરાની સરસ્‍વતી વિદ્યાલયમાં મોબાઇલ પર વાત કરતી વિદ્યાર્થીની છેક ચોથા માળેથી પટકાઇઃ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાઇ

વડોદરા :વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં વિચિત્ર બનાવ બન્યો છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચોથા માળેથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી વિદ્યાર્થીનીને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં સરસ્વતી વિદ્યાલય આવેલી છે. શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની શાળાની ઇમારતના ચોથા માળેથી નીચે પટકાઈ છે. ઘટનાને નજરે જોનારા લોકોએ કહ્યું કે, વિદ્યાર્થીની ચોથા માળે મોબાઈલ પર વાત કરી રહી હતી. ત્યારે ગંભીર રીતે ઘવાયેલી વિદ્યાર્થીનીને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તરસાલી પોલીસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલામાં પોલીસ વિવિધ એન્ગલથી તપાસ કરી રહી છે કે, શું વિદ્યાર્થીની ખરેખર પડી ગઈ કે, તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો મોબાઈલની વાત સાચી હોય તો શાળામાં મોબાઈલ કેવી રીતે આવ્યો અને વિદ્યાર્થીની ચોથા માળ સુધી કેવી રીતે પહોંચી તેવા પણ અનેક સવાલો શાળાના સંચાલકો સામે ઉભા થયા છે. તો બીજી તરફ, શાળાના આચાર્ય અંગે કશું બોલવા તૈયાર નથી.

તો બીજી તરફ વિદ્યાર્થીનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. પારિવારિક ઝઘડાથી કંટાળીને તેણે રિસેષના સમયમાં ચોથા માળથી નીચે છલાંગ લગાવી હોવાની પણ ચર્ચા છે. પહેલા વિદ્યાર્થીની કોઈની સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી, તેના બાદ તેણે પગલુ ભર્યું હશે. શાળાનાં પ્રિન્સિપાલે જણાવ્યું કે, તેની પાસેથી મોબાઇલ પણ મળી આવ્યો છે.

(4:41 pm IST)