ગુજરાત
News of Thursday, 12th July 2018

વડગામના કોદરાલીની યુવતીએ મહેસાણામાં ઝેર ગટગટાવ્યું

વડગામ:તાલુકાના કોદરાલી ગામની ૩૩ વર્ષીય યુવતિએ મહેસાણા શહેરના હાઈવે ઉપર આવેલા રાધનપુર સર્કલ નજીક ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર ફેલાઈ હતી. આ અંગે બીડીવીઝન પોલીસ મથકમાં મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં પરિણીત યુવક સાથેના સંબંધોમાં લાગી આવતા યુવતીએ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

 


વડગામ તાલુકાના કોદરાલી ગામના હિરાભાઈ ડાભીની દિકરી ભગવતીબેન (ઉ.વ.૩૩) બુધવારના રોજ મહેસાણા શહેરમાં આવેલા રાધનપુર ચારરસ્તા નજીક ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના અંગે મહેસાણા બીડિવિઝન પોલીસ મથકે મૃતકના ભાઈ મુકેશ હિરાભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે ભગવતીબેન છેલ્લા કેટલાક સમયથી મહેસાણામાં રહેતા દિપક ચંદ્રકાન્તભાઈ વણસોલા સાથે પરિચયમાં હતા અને બન્ને અવાર-નવાર મળતા હતા. મંગળવારે ભગવતીબેન કોદરાલી ખાતેથી નીકળીને મહેસાણા આવ્યા હતા પરંતુ, સમયસર ઘરે પરત ફર્યા ન હતા. દરમિયાન, બુધવારના રોજ ભગવતીબેને મહેસાણા શહેરમાં ઝેરી દવા પી જઈને મોતને વ્હાલુ કર્યું હોવાની જાણ થતાં તેમના પરિજનો મહેસાણા પહોંચ્યા હતા અને દિપક વણસોલાએ લગ્ન કરવાની ના પાડતાં લાગી આવતાં ભગવતીબેને આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.

 

(6:07 pm IST)