ગુજરાત
News of Thursday, 12th July 2018

ગળતેશ્વરના રસુલપુરા-પડાલનો વે બ્રિજ ધોવાતાં લોકો ચિંતિત

ગળતેશ્વર: તાલુકાના બે ગામોને જોડતા બ્રિજની જર્જરીત હાલતના કારણે  ખેડુતો ચિંતીત બન્યા છે.આ બ્રિજ થકી જ ખેડૂતો તેમના ખેતરો સુધી પહોંચી શકે  છે.પરંતુ અત્યારે વરસાદને કારણે આ બ્રીજનું ધોવાણ થતા તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 


ગળતેશ્વર તાલુકાના રસુલપુરા પાસે આવેલ હરખોલ ગામનો બ્રિજ કે જેના પરથી રસુલપુરા અને પડાલ ગામના ખેડુતો પોતાના પશુધન લઇને ખેતરે જાય છે.ઉપરાંત આ બંને ગામોને જોડતો આ એક જ બ્રીજ છે. આ પુલના એક બાજુનો ભાગ ભારે વરસાદના કારણે ધીમે ધીમે ધોવાતો જાય છે. જો વધુ વરસાદ પડશે તો આ પુલ બેસી જવાની ભીતી ગ્રામજનોમાં સેવાઇ રહી છે. જેને કારણે આસપાસના ગામના ખેડુતો અને ગ્રામજનો ચિંતાતુર બન્યા છે.બંને ગામના ગ્રામજનોની હજારો વિધા જમીન આ જર્જરીત બ્રિજની નજીક આવેલી છે.જેના કારણે આ બ્રિજ ગ્રામજનો માટે જીવાદોરી સમાન છે.માટે જો પુલ તુટી જશે, પાણી ખેતરમાં જશે તો હજારો વિઘા જમીનના ઉભા પાકને નુકસાન થશે અને ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવવાની ભીતી સેવાઇ રહી છે.

(5:59 pm IST)