ગુજરાત
News of Thursday, 12th July 2018

મત મશીનમાં ખામી હશે તો આપોઆપ દેખાશેઃ ગુજરાત માટે ૮૩૦૦૦ નવા EVM

નવા ઇ.વી.એમ.માં પ્રથમ વખત સેલ્ફ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ સિસ્ટમઃ લોકસભાની ચૂંટણીમાં ઉપયોગ

રાજકોટ, તા. ૧૨ :. આવતા વર્ષે એપ્રિલ માસ આસપાસ આવી રહેલ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચે તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ગઈકાલે તમામ રાજ્યોના ચૂંટણી પંચના નોડલ અધિકારીઓની બેઠક નવી દિલ્હીમાં યોજી નવા મત મશીન, વીવીપેટ તેમજ ચૂંટણી પ્રક્રિયા અંગે મત મશીન બનાવતી કંપનીમાં મુલાકાત સાથે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. લોકસભાની ચૂંટણી માટે ગુજરાતને તમામ ૮૩૦૦૦ નવા મત મશીનો અને નવા જ વીવીપેટ ફાળવવામાં આવશે. ગુજરાત પાસે રહેલા હાલના મત મશીન અને વીવીપેટ બિહાર તથા કેરળને ફાળવી દેવામાં આવ્યા છે. મત મશીનમાં કે વીવીપેટમાં ખામી હોય તો તેને ચાલુ કરતી વખતે આપોઆપ ડીસ્પ્લે પર દર્શાવે તેવી નવી ખાસીયત નવા મશીનોમાં ઉમેરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા મોક પોલ સહિતની રાબેતા મુજબની પ્રક્રિયા તો થશે જ. ઈવીએમ, વીવીપેટ સહિતના સમગ્ર સેટમાં કયાંય કોઈ પ્રકારની ખામી હોય તો મતદાન પૂર્વે તે ચાલુ કરતી વખતે જ સામે દેખાય આવશે. તેના કારણે ખામી નિવારણની કાર્યવાહી ત્વરીત હાથ ધરાશે અથવા ઈવીએમ કે વીવીપેટ તાત્કાલિક બદલી શકાશે.

નવી પદ્ધતિ 'સેલ્ફ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ' તરીકે ઓળખાય છે. જેમ દર્દી અમુક સાધનની મદદથી પોતાના રોગનંુ નિદાન પોતાની જાતે જ કરી શકે તે રીતે મત મશીન પણ પોતાની જાતે જ પોતાનું નિદાન કરી ખામીરહીત છે કે ખામીયુકત ? તે તુરંત ડીસ્પ્લે પર બતાવશે. ગુજરાતમાં આ પ્રકારના મશીન પ્રથમ વખત આવી રહ્યા છે. તેનાથી પારદર્શક ચૂંટણી પ્રક્રિયાને વધુ બળ મળશે.

ગુજરાત માટે ૮૩૦૦૦ નવા ઈવીએમ અને ૬૭૦૦૦ વીવીપેટ મંજુર કરવામાં આવ્યા છે. કોઈ મતક્ષેત્રમાં ૧૬થી વધુ ઉમેદવાર હોય તો એકથી વધુ ઈવીએમ મુકવાની જરૂર પડે છે. ગઈ ધારાસભાની ચૂંટણીમાં મહેસાણાની એક બેઠકમાં ૩૫ ઉમેદવારો હોવાથી ત્યાંના દરેક મતદાન મથકમાં ૩ - ૩ ઈવીએમ મુકાયા હતા. એકથી વધુ ઈવીએમ મુકવાના થાય તો પણ એક જ વીવીપેટની જરૂર રહે છે.

(12:36 pm IST)