ગુજરાત
News of Thursday, 12th July 2018

એકના એક તેલમાં ફરસાણ બનાવવા પર મનાઇ : નમૂનો ફેલ જશે તો પગલા

વધુ ૨૫૦ મશીન ખરીદવા માટે દરખાસ્ત : એચ.જી.કોશિયા

અમદાવાદ તા. ૧૨ : ફરસાણના શોખીનોને ચોમાસામાં દાળવડા-ભજીયા અને શ્રાવણના તહેવારોમાં ફરસાણની વાનગીઓ વધુ સારા તેલમાં ખાવા મળશે. કેન્દ્ર સરકાર દ્વારા એકના એક તેલમાં વેપારીઓ દ્વારા વારંવાર ખાદ્ય ચીજ વસ્તુઓ તળીને આપવામાં આવતી હોવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની રહે છે. તેની સામેના કાયદાનો ચૂસ્ત અમલ રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડીને અને ફરસાણના વેપારીઓને સમજાવીને કરવાનું શરૂ કરાયા બાદ તેલમાં એકસમયે ૪૦ ટીપીસી (ટોટલ પોલરાઇઝેશન કાઉન્ટ) જોવા મળતા હતા તેમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ૧ જુલાઇથી આ કાયદાનો કડક અમલ કરવાનું શરૂ કરવાનું નક્કી કરાયું હતું. જો કે તે પહેલા જ અમદાવાદ, રાજકોટ, વડોદરા વિગેરે સહિત અનેક શહેરોના ફરસાણના વેપારીઓ સાથે નિયમિત બેઠકો કરવામાં આવી હતી અને તેમને સમજાવવામાં આવ્યા હતા. તે સાથે એવી પણ સમજ આપવામાં આવી હતી કે, જો ટીપીસી ૨૫થી વધુ હોય તો તે શરીર માટે જોખમી પૂરવાર થઇ શકે છે. પહેલા સેમ્પલ લેવાતા હતા ત્યારે ૪૦ ટીપીસી જોવા મળતા હતા. જે વારંવાર મીટીંગ પછી ૨૮ અને તે પછી ૧૬થી લઇને ચારથી પાંચ ટીપીસી પણ જોવા મળી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, ત્રણથી ચાર ટકા જેટલા સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. જો તે રિપોર્ટમાં તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની ગયું છે તેવું તારણ આવશે તો જુલાઇ માસથી કડક અમલના ભાગરૂપે તેમની સામે ફોજદારી કેસ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

હાલ ટીપીસી કાઉન્ટીંગના ચાર જેટલા મશીન છે. તે માટેની મોબાઇલ વાનમાં ફરીને રાજયભરમાં સેમ્પલ લેવાઇ રહ્યા છે પરંતુ વધુ ૨૫૦ મશીન ખરીદવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. તે પછી કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે.(૨૧.૮)

(11:50 am IST)