ગુજરાત
News of Thursday, 12th July 2018

ભાજપની પ્રદેશ બેઠકોમાં જુદા જુદા પાસાઓ પર ચર્ચા કરાશે

જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં બેઠકો યોજાશેઃ રૂપાણી, નીતિન પટેલ, પુરુષોત્તમ રુપાલા અને સતિષજી મિટિંગમાં ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડશે

અમદાવાદ,તા.૧૧: પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં આવતીકાલે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે જુદી જુદી બેઠકોમાં આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક રાખવામાં આવેલ છે. જે બપોરે ૨.૦૦ કલાકે શરૂ થશે અને સાંજે ૪.૦૦ કલાકે પૂર્ણ થશે. આ પ્રદેશ બેઠકમાં પ્રદેશ કોર ટીમના સભ્યઓ, પ્રદેશ હોદ્દેદારઓ, મોરચાના પ્રદેશ પ્રમુખઓ તેમજ જીલ્લા-મહાનગરના પ્રભારી-પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે. ઉપરાંત, પ્રદેશ  બેઠક બાદ સાંજે ૪.૦૦ કલાકથી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં ભાજપાના તમામ મોરચાના પ્રદેશ હોદ્દેદારઓની બેઠક રાખવામાં આવી છે. ઉપરોક્ત બેઠકોમાં જીલ્લા-મહાનગર તથા મંડલ સ્તર સુધી ભાજપા દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલ કાર્યક્રમોનું રિપોર્ટીંગ, કેન્દ્ર સરકારના પૂર્ણ થયેલ ૪ વર્ષ નિમિત્તે થયેલ વિવિધ કાર્યક્રમો, વિશેષ સંપર્ક અભિયાન, યોગ દિવસ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તથા કટોકટીના કાળા દિવસ નિમિત્તે કરવામાં આવેલ કાર્યક્રમોની સમીક્ષા-ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં વિવિધ આગામી કાર્યક્રમો જેમ કે, સુજલામ સુફલામ જળ અભિયાન દરમ્યાન ઉંડા કરેલ તળાવો અને ચેકડેમોના સ્થળો પર જળ પૂજનના કાર્યક્રમો, વૃક્ષારોપણ તેમજ ગુરૂપૂર્ણિમા નિમિત્તે કરવાના કાર્યક્રમો બાબતે પણ આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આગામી લોકસભા-૨૦૧૯ ચૂંટણીના સંદર્ભમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન તેમજ સંગઠનાત્મક બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

(9:45 pm IST)