ગુજરાત
News of Thursday, 12th July 2018

ખેડાના નાઇકા અને ભેરાઇ ગામના લોકો તુટેલો બ્રિજ પાર કરીને જીવના જોખમે અવરજવર કરે છેઃ બ્રિજના કારણે એક કિલોમીટર અંતર કાપવા માટે ઘણા લોકોને ૧૦ કિલોમીટર સુધી ફરીને જવું પડે છે

ખેડાઃ રાજ્યના અનેક વિસ્‍તારોમાં નબળા કામ અંગે સરકાર સામે વારંવાર આક્ષેપ થાય છે ત્યારે ખેડા જિલ્લાના નાઇકા અને ભેરાઇ ગામના લોકો તૂટેલા બ્રિજના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ખેડાના નાઈકા અને ભેરાઈ ગામના લોકો જીવના જોખમે દરરોજ તૂટેલો બ્રિજ પાર કરીને જાય છે. આટલું જ નહીં, સ્કૂલમાં ભણતા નાના-નાના વિદ્યાર્થીઓ પણ આ જોખમી રસ્તો ખેડીને દરરોજ સ્કૂલ જાય છે.

અહીંના લોકોનું કહેવું છે કે તૂટેલા બ્રિજને કારણે એક કિલોમીટર અંતર કાપવા માટે તેમણે 10 કિલોમીટર ફરીને જવું પડે, જે અત્યંત મુશ્કેલ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેમણે સરકારને આ બાબતે અનેક વાર ફરિયાદ કરી છે. પરંતુ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.

અધિકારી આ લોકોની વાત સાંભળે છે, કામ કરવાનું વચન આપે છે પરંતુ એક છેડાથી સામેની બાજુ જવા માટે તેમની પાસે કેનાલ પરથી પસાર થવા સિવાય કોઈ બીજો રસ્તો નથી. ઉલ્લેખનીય છે કે નાઈકા અને ભેરાઈ ગામ વચ્ચે બનેલો આ પુલ લગભગ બે મહિના પહેલા તૂટી ગયો હતો.

ખેડાના કલેક્ટર આઈકે પટેલે સમારકામ વહેલી તકે શરુ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં કામ શરુ થઈ જશે. વરસાદને કારણે પુલ બનાવવાનું કામ શરુ કરવામાં નથી આવ્યું.

(5:58 pm IST)