ગુજરાત
News of Thursday, 12th July 2018

ગુજરાત રાજ્યમાં અગરિયા વિસ્‍તારના શ્રમિક પરિવારના બાળકોને ઘરઆંગણે શિક્ષણ આપવા માટે રાજ્ય સરકારના પાઇલોટ પ્રોજેક્ટ સ્‍કૂલ ઓફ વ્હીલનો પ્રારંભ કરાવતા વિજયભાઇ રૂપાણીઃ જર્જરિત બસોને ‌રીપેર કરીને તેમાં જ હરતી ફરતી સ્‍કૂલનું નિર્માણ કરાયું

અમદાવાદઃ રાજ્યના અગરિયા વિસ્તારના શ્રમિકો-વાલીઓના બાળકોને પ્રારંભિક શિક્ષણ ઘરઆંગણે પૂરૂં પાડવાના પાયલોટ પ્રોજેકટ રૂપે ‘‘સ્કૂલ ઓન વ્હીલ’’ હરતી-ફરતી શાળાનો સરકારે પ્રારંભ કરાવ્યો છે. સર્વશિક્ષા અભિયાન દ્વારા આ હેતુસર રૂપિયા 3.50 લાખના અંદાજીત ખર્ચે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બિનવપરાશી બસને મોબાઇલ શિક્ષણ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે.

આ સ્કૂલ ઓન વ્હીલમાં બારીઓમાં નવી ટેકનોલોજીના લુવર્સ લગાવવામાં આવ્યા છે, જેથી રેતી કે પાણી અંદર પ્રવેશી ન શકે ઉપરાંત પીવીસી ફલોરીંગ, ગ્રીન બોર્ડ, ૩.૭ કે.વી.ની અપગ્રેડ સોલાર સિસ્ટમ, ર૯ ઇંચ ટી.વી., સેટઅપ બોકસ (ડી-ટુ-એચ), ૬ પંખા અને ૬ એલ.ઇ.ડી. લાઇટ, ફાયર એસ્ટિંગવિસર તથા પીવાના પાણી માટેની ટેન્ક, એક ખુરશી, ૧૮ રાઇટીંગ ડેસ્કની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.

પ્રયોગ સફળ થયેથી આગામી સમયમાં વધુ ૩૦ જેટલી બસોને જી.એસ.આર.ટી.સી.ના સહયોગથી ‘‘સ્કૂલ ઓન વ્હિલ’’ પ્રોજેકટ તરીકે મોડિફાય કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. લગભગ ૧ર૦૦ જેટલાં બાળકોને તબક્કાવાર તેનો લાભ અપાશે. જ્યારે અગરિયા વિસ્તારના બાળકો પોતાની મૂળ શાળામાં જાય ત્યારે આ બસનો ઉપયોગ બીજા સ્થળાંતર કરતાં બાળકો માટે પણ કરી શકાશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સર્વ શિક્ષા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ રાઇટ ટુ એજ્યુકેશન એકટની જોગવાઇ મુજબ ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોના નામાંકન, સ્થાયીકરણ, માળખાકીય સુવિધાઓ, ગુણવત્તાયુકત શિક્ષણ પૂરૂં પાડી તેમનું ધોરણ ૧ થી ૮નું પ્રારંભિક શિક્ષણ પૂરૂં પાડવાનો છે. રાજ્યમાં જુદી-જુદી ભૌગોલિકતા, સામાજિક અને વ્યવસાયિક વૈવિધ્યતાને કારણે કે વાલીઓના સ્થળાંતર જેવા કારણોથી ખાસ કરીને અગરિયા વિસ્તારના જિલ્લાઓ કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભરૂચ જિલ્લાઓમાં વાલીઓ છ થી આઠ માસના સમયગાળા દરમિયાન અગરિયા વિસ્તારમાં કામગીરી માટે સ્થળાંતર કરે છે.

બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સાથે અગરિયા વિસ્તારના સ્થળાંતર કરતાં પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ના રહે અને કામના સ્થળે અગરિયાના બાળકોને શિક્ષણની સુવિધા તેમજ ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ‘‘સ્કૂલ ઓન વ્હિલ’’ હરતી ફરતી શાળા પ્રોજેકટ પાયલોટ બેઝ પર શરૂ કર્યો છે. સર્વ શિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇ-કન્ટેન્ટના ઉપયોગથી સ્થળાંતરના સમયગાળા દરમિયાન એટલે કે ઓકટોબરથી એપ્રિલ માસ દરમિયાન અગરિયા વિસ્તારમાં બાળકો વાલી સાથે રહી શિક્ષણ પ્રાપ્ત કરશે.

આ સ્કૂલ ઓન વ્હીલના પ્રારંભ અવસરે સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન, રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, વાસણભાઇ આહીર, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, ગુજરાત એસ.ટી. નિગમના એમ.ડી. સોનલ મિશ્રા તથા સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓ જોડાયા હતા.

(5:56 pm IST)