ગુજરાત
News of Thursday, 12th July 2018

અમદાવાદમાં સિરિયલ બોમ્‍બ બ્લાસ્ટનો મહત્‍વનો સાક્ષી તાલીબ અબ્દુલ ગફાર મણીયાર કોર્ટ સમક્ષ ફરી ગયોઃ નિવેદન ફેરવી દેતા ભારે ચર્ચા

અમદાવાદઃ અમદાવાદમાં ૨૦૦૮માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મહત્વનો સાક્ષી કોર્ટમાં ફરી જતા ભારે ચર્ચા જાગી છે.

દસ દિવસ પહેલા સુરતના તાલિબ અબ્દુલ ગફ્ફાર મણિયારે વિટનેસ બોક્સમાં આવીને ફરિયાદપક્ષના સ્ટેટમેન્ટને સમર્થન નહોતુ આપ્યું. આ પહેલા તેમે પોલીસ સમક્ષ આપેલા પોતાના નિવેદનને પણ ફગાવી દીધુ હતું. બ્લાસ્ટના ષડયંત્રી મીટિંગમાં ભાગ લેનારા શંકાસ્પદોની તેણે ઓળખ કરવાની હતી, પરંતુ મણિયારે પોતાનું નિવેદન પાછુ ખેંચી લેતા આ ઓળખ નહોતી થઈ શકી.

સ્પેશિયલ પ્રોસિક્યુટરે આ વાતની પૃષ્ટિ કરી છે કે સુનાવણી દરમિયાન મણિયારે પોતાનું નિવેદન બદલી કાઢ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મણિયાર પહેલા સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા(SIMI) સાથે જોડાયેલો હતો. 2001માં કેન્દ્ર સરકારે SIMI પર પ્રતિબંધ મુક્યા પછી પણ તે SIMIના પોતાના મિત્રો સાથે સંપર્કમાં હતો. 2001 અને 2008 દરમિયાન તેને ઘણાં પ્રોગ્રામમાં આમંત્રિત કરવામાં આવતો હતો.

આ પહેલા પોતાના સ્ટેટમેન્ટમાં તાલિબ મણિયારે કહ્યુ હતું કે, અમદાવાદમાં થયેલી અમુક મીટિંગમાં તે હાજર રહ્યો હતો. 26 સિક્રેટ સાક્ષીઓ સિવાય તે એક સાક્ષી હતો જે ષડયંત્રના પ્લાનિંગ માટે થતી કથિત મીટિંગમાં હાજર રહેતા શંકાસ્પદોની ગવાહી આપી હતી.

ઉલ્લેખનીય છે કે તાલિબ બીજો એવો મહત્વનો સાક્ષી છે જે પોતાના નિવેદન પરથી ફરી ગયો છે. માર્ચ, 2017માં સુરતના ખાલિદ અદનાન ગુજરાતીએ પણ પોતાનું નિવેદન બદલી કાઢ્યુ હતુ. ખાલિદ પણ એક મહત્વનો સાક્ષી હતો. ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં 19 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાની જવાબદારી ઈન્ડિયન મુજાહિદ્દીને લીધી હતી. 27 જુલાઈના રોજ સુરતમાં 15 બોમ્બ મળી આવ્યા હતા.

પાછલા 10 વર્ષમાં 11 રાજ્યોમાંથી લગભગ 80 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને જેલની સજા ફટકારવામાં આવી છે. અત્યાર સુધી લગભગ 1050 જેટલા સાક્ષીઓની ગવાહી સ્પેશિયલ કોર્ટ દ્વારા લેવામાં આવી છે. અત્યંત મહત્વના 26 સાક્ષીઓની ગવાહી લેવાની હજી બાકી છે.

(5:49 pm IST)