ગુજરાત
News of Wednesday, 12th May 2021

વલસાડ જિલ્લાની ત્રણ હોસ્‍પિટલોને રેમડેસીવીર ઇન્‍જેકશનની વધુ કિંમત લેવા બદલ નોટિસ

જિલ્લા આરોગ્‍ય અધિકારી મનોજ પટેલે આ ત્રણેય હોસ્‍પિટલો પાસેથી તેમની હોસ્‍પિટલની માન્‍યતા કેમ રદ ન કરવી તેનો બે દિવસમાં ખુલાસો માંગવાની સાથે આ બાબતે વિલંબ કરવામાં આવશે તો ડીઝાસ્‍ટર એકટ ૧૮૯૭ મુજબ કાર્યવાહી કરવા પણ જણાવ્‍યું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લાના વાપી ખાતેની ૨૧st સેન્‍ચુરી હોસ્‍પિટલ અને શેલ્‍બી હોસ્‍પિટલ તેમજ વલસાડની મૃણાલ હોસ્‍પિટલને રેડમીસીવીરના ઇન્‍જેકશનની વધુ કિંમત લેવા બદલ નોટિસ પાઠવી હોસ્‍પિટલની માન્‍યતા કેમ રદ ન કરવી? તે અંગે વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા ખુલાસો માંગવામાં આવ્‍યો છે. હાલમાં વિશ્વમાં અને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાઇરસની મહામારીમાં ખાનગી હોસ્‍પિટલો દ્વારા દર્દીઓ પાસેથી રેમડેસીવીર ઇન્‍જેકશનની નક્કી કરાયેલી કિંમત કરતાં વધુ કિંમત વસુલ કરતા હોવાનું ધ્‍યાને આવતાં જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ વસાડના મેડીકલ ઓફિસર ડો.શીતલ ખરેડીયા, ખોરાક અને ઔષધ નિયમનતંત્રના ફુડ સેફટી ઓફિસર કે.જે. પટેલ અને વી.ડી.પટેલ તેમજ પોલીટેકનીક કોલેજના લેકચરર એચ.વી.રાણા અને પોલીસની ટીમે વાપી ખાતેની ૨૧st સેન્‍ચુરી હોસ્‍પિટલ અને શેલ્‍બી હોસ્‍પિટલ તેમજ વલસાડની મૃણાલ હોસ્‍પિટલની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન આ હોસ્‍પિટલ ખાતે કોવિડ-૧૯ના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવેલા રેમડેસીવીર ઇન્‍જેકશનની કિંમત અને ઇન્‍જેકશન ખરેખર આપવામાં આવ્‍યા છે કે કેમ? તે બાબતની દર્દીઓના સગાઓને બોલાવી ખરાઇ કરતાં ઇન્‍જેકશનની નિયત કરતાં વધુ કિંમત વસુલ કરવામાં આવેલી હોવાનું જણાયું હતું. આ બાબતને ગંભીરતાથી લઇ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી મનોજ પટેલે આ ત્રણેય હોસ્‍પિટલો પાસેથી તેમની હોસ્‍પિટલની માન્‍યતા કેમ રદ ન કરવી તેનો બે દિવસમાં ખુલાસો માંગવાની સાથે આ બાબતે વિલંબ કરવામાં આવશે તો ડીઝાસ્‍ટર એકટ ૧૮૯૭ મુજબ કાર્યવાહી કરવા પણ જણાવ્‍યું છે.

(8:33 pm IST)