ગુજરાત
News of Wednesday, 12th May 2021

વડોદરામાં મ્યુકોર માઈકોસિસના દર્દીઓમાં વધારોઃ એકનું મોતઃ સંક્રમણથી પીડાતા એક દર્દીના આંખના ડોળા કાઢવા પડ્યા

વડોદરા: કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યાં છે. સાથે જ તેના દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસિસનું સંકટ તોળાઈ રહ્યું છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસથી પીડાતા બે દર્દીઓના આંખના ડોળા કાઢવા પડ્યા છે. તો એક દર્દીનું મોત નિપજ્યું છે. 

શહેરમાં છેલ્લા 24 કલાકમા મ્યુકરમાઈકોસિસના વધુ 9 દર્દીઓ દાખલ થયા છે. જેમાંથી 11 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. જેમાંથી 6 દર્દીઓની બાયોપ્સી કરવામા આવી છે. કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસિસનુ સંકટ તોળાઇ રહ્યું છે.

તો બીજી તરફ, વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. દર્દીઓની સંખ્યા વધતા રોજ 300 એમ્ફોટેરીસીન ઇન્જેક્શનની માંગ વધી રહી છે. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળી મ્યુકોરમાઈકોસિસના કુલ 100 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જેમાં સારવાર દરમિયાન બે દર્દીઓના આંખના ડોળા કાઢવા પડ્યા છે. તેમજ એક દર્દીનું મોત નિપજ્યુ છે.

વડોદરામાં પાલિકા 7 નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવશે તેવી જાહેરાત કરવામાં આવશે. 9.34 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. કોરોના મહામારીમાં અર્બન હેલ્થ સેન્ટરો પર લોકોની ભારે ભીડ થતાં પાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્તને મંજૂરી અપાશે. તાતી જરૂરિયાતના ભાગરૂપે 1.25 કરોડ વધુ ખર્ચ કરવા સાથેનું આયોજન છે.

(4:34 pm IST)