ગુજરાત
News of Wednesday, 12th May 2021

તાપી જિલ્લામાં એપ્રિલમાં ૧૫૦૦ મૃત્યુ : પી.એમ. કેર ફંડમાંથી આવેલા વેન્ટીલેટર ધૂળ ખાય છે !

કોંગી નેતા તુષાર ચૌધરીની 'અકિલા' સાથે વાતચીત : આંકડાઓ રેકોર્ડ આધારિત હોવાનો દાવો : માત્ર કન્વર્ટરના અભાવે નવા વેન્ટીલેટર ચાલુ થઇ શકતા નથી

રાજકોટ તા. ૧૨ : દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોનાના કારણે ૧૫૦૦ જેટલા મૃત્યુ થયા છે. કોંગ્રેસના પ્રદેશ નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીએ આંકડાકીય દાવા સાથે સરકારી તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો છે. પ્રધાનમંત્રી કેર ફંડમાંથી આવેલા વેન્ટીલેટર ધૂળ ખાઇ રહ્યા છે તેમ તેમનું કહેવું છે.

શ્રી તુષાર ચૌધરીએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, માત્ર ૭ તાલુકાઓના તાપી જિલ્લામાં એપ્રિલ ૨૦૨૧માં કુલ ૨૦૦૦ જેટલા મોત થયા છે. જેમાંથી ૫૦૦ જેટલા લોકોના મૃત્યુ કુદરતી કે અન્ય બિમારીના કારણે થયાનું માની શકાય. ૧૫૦૦ જેટલા મૃત્યુ માત્ર કોરોનાના કારણે થયા છે. ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતોના રેકોર્ડના આધારે અમે આ તારણ કાઢયું છે.

કોરોના કેસનો એકદમ ઉછાળો હતો તે વખતે તાપીની સરકારી હોસ્પિટલોમાં સુવિધાનો અભાવ હતો. પી.એમ. કેર ફંડમાંથી ૨૫ નવા વેન્ટીલેટર જિલ્લાને ફાળવાયા છે પણ સાથે કન્વર્ટર ન હોવાથી ચાલુ થઇ શકતા નથી. આજેય આ વેન્ટીલેટર ધૂળ ખાઇ રહ્યા છે. ગાડી હોય પણ ચાલુ કરવા માટે ચાવી ન હોય તેવી હાલત છે. ઓકિસજન, વેન્ટીલેટર વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં સરકારી તંત્ર નિષ્ફળ ગયું હોવાથી કોવિડના દર્દીઓએ ઘણુ સહન કરવું પડયું છે.

(3:13 pm IST)