ગુજરાત
News of Wednesday, 12th May 2021

મલ્ટિપ્લેકસને એક વર્ષથી નથી થઇ આવક : ૫૦-૯૦% સ્ટાફને છૂટો કર્યો

મલ્ટીપ્લેકસનો ધંધો ઠપ થઇ જતા, ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સ આવકના સ્ત્રોત માટે સંઘર્ષ કરી રહ્યા છે : ગુજરાતના મલ્ટિપ્લેકસમાં લાંબો 'ઇન્ટરવલ' પડયો છે : આવક ઓછી હોવાથી મલ્ટિપ્લેકસના માલિકોએ સ્ટાફ ઘટાડવાની ફરજ પડી છે

અમદાવાદ તા. ૨૦ : 'પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત...' બોલિવુડના બ્લોકબસ્ટર ફિલ્મનો આ ફેમસ ડાયલોગ કોવિડ-૧૯ની બીજી લહેર સાથે મલ્ટીપ્લેકસ માટે અપશુકનિયાળ માનવામાં આવી રહ્યો છે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૧માં પણ મલ્ટીપ્લેકસના માલિકોને ભાગ્યે જ કોઈ ધંધો થયો હતો. સિનેમાના માલિકોનું કહેવું છે કે, હાલમાં લગાવેલા નવા પ્રતિબંધોથી ધંધાને જબરદસ્ત ફટકો પડ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં પહેલાથી જ નુકસાન સહન કરી રહ્યો છે. ઘણાનું કહેવું છે કે, આ સ્થિતિના કારણે તેમણે પોતાના ૫૦થી ૯૦% કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડી હતી. વીકએન્ડ પર મલ્ટીપ્લેકસને સંપૂર્ણ રીતે બંધ કરવાના રાજયના આદેશોના કારણે, ભાગ્યે જ કોઈ આવક થઈ છે અને તેઓ નિશ્ચિત ખર્ચને પહોંચી વળવા માટે પણ ઝઝૂમી રહ્યા છે.

ગુજરાત મલ્ટિપ્લેકસ ઓનર્સ અસોસિએશનના (GMOA) પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'અમારા મલ્ટિપ્લેકસમાં કાર્યરત ૧૨૫ કર્મચારીઓની સામે, હાલમાં અમારી પાસે પ્રોપર્ટીને મેન્ટેન કરવા, અકાઉન્ટ્સ સંભાળવા અને સિકયુરિટી માટે ફકત ૧૦ વ્યકિતઓ છે.'

'કોઇ આવક નથી અને હાલમાં ધંધાને ટકાવી રાખવો મુશ્કેલ છે. તેવા મલ્ટિપ્લેકસની હાલત વધારે ખરાબ છે જેઓ ભાડાની જગ્યામાં ચલાવી રહ્યા છે', તેમ અમદાવાદમાં મલ્ટિપ્લેકસ ધરાવતા પટેલે ઉમેર્યું હતું.

ગુજરાત એ ઓછામાં ઓછા ૧૫૦ મલ્ટિપ્લેકિસસનું ઘર છે. 'ડિસેમ્બરમાં અમારે અમારા કુલ સ્ટાફના ઓછામાં ઓછા ૬૦% કર્મચારીઓને છુટા કરવા પડ્યા હતા કારણ કે, અમે વધારાનો ખર્ચ ઉઠાવી શકવા માટે સક્ષમ નથી. છેલ્લા એક વર્ષથી કોઈ આવક નથી અને આ ખર્ચાને આગળ ધપાવવો પણ શકય નથી', તેમ અમદાવાદમાં મલ્ટિપ્લેકસ ધરાવતા અન્ય એક માલિકે જણાવ્યું હતું.

ગયા વર્ષે, દેશવ્યાપી લોકડાઉનના કારણે માર્ચ ૨૦૨૦માં બંધ કર્યા પછી, ઓકટોબર ૨૦૨૦માં ફરીથી મલ્ટીપ્લેકસને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મલ્ટીપ્લેકસે ફરીથી કામગીરી શરૂ કર્યા બાદ પણ, તેમની આવક ખર્ચને પૂરા કરવા માટે ખૂબ નજીવી હતી.

'જ્યારે અમે ફરીથી મલ્ટિપ્લેકસ ખોલ્યા ત્યારે, માંડ ૫-૭ લોકો આવતા હતા, જયારે તેમાં ૨૦૦-૩૦૦ લોકોને હોસ્ટ કરવાની ક્ષમતા હતી. ભીડને આકર્ષિત કરવા માટે અમારે ડિસ્કાઉન્ટ આપવું પડ્યું હતું, તેમ છતાં કોઈ આવતું નહોતું', તેમ નામ ન જણાવવાની શરતે મલ્ટીપ્લેકસ ચેઈનના મેનેજરે જણાવ્યું હતું.

નવી ફિલ્મો પણ ખૂબ ઓછી રિલીઝ થઈ રહી હોવાથી, ભીડ ઓછી જોવા મળતી હતી. વડોદરામાં આવેલા મલ્ટિપ્લેકસના પાર્ટનર અને પ્રોગ્રામર પ્રેમ લાખાણીએ કહ્યું હતું કે, 'ઓછી ફિલ્મો રિલીઝ થઈ હતી અને તે પણ બ્લોકબસ્ટર અથવા બિગ બેનરની નહોતી, જે લોકોને ખેંચી લાવે. ફિલ્મો જોવા એટલા ઓછા દર્શકો આવતા હતા કે અમારે ફિલ્મ શો કેન્સલ કરવા પડ્યા હતા. જયારે તમામ મલ્ટીપ્લેકસ ચાલુ હતા તે દરમિયાન અમે માત્ર ઓપરેટિંગ ખર્ચને ઓછામાં ઓછો રાખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી અમે ધંધાને રૂટિનમાં લાવી શકીએ. પરંતુ દુર્ભાગ્યે અમને સતત નુકસાન થતું હતું.'

મલ્ટીપ્લેકસનો ધંધો ઠપ થઈ જતાં, ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટર્સ આવકના  સ્ત્રોત માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તેમાંથી મોટાભાગના એક વર્ષથી બચત પર ટકી રહ્યા છે. નિલેષ રૂપારેલ નામના ફિલ્મ ડિસ્ટ્રિબ્યૂટરે જણાવ્યું હતું કે, 'અમારી પાસે હાલ કોઈ કામ નથી અને બચત પર જીવી રહ્યા છીએ. અન્ય કોઈ ધંધો કરવાનો પણ કોઈ અર્થ નથી, કારણે બધી જગ્યાએ સ્થિતિ સરખી છે.'

(10:13 am IST)