ગુજરાત
News of Monday, 12th April 2021

અમદાવાદની મોટાભાગની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓના સગાને રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ રહી છે

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમદાવાદ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ હાઉસફુલ થઈ રહ્યા છે તેવા સંજોગોમાં ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન સમયસર મળી રહ્યાં નથી. શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓના સગાને રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ રહી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે અધિકારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે પણ ખાનગી હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે સંકલનના અભાવે દર્દીઓના સગાને પરેશાની ભોગવવી પડી રહી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસવીપી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે રેમડિસિવિર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે. અહીંથી દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન મળે તે માટે વ્યવસ્થા કરાઈ છે જેમાં ખાનગી હોસ્પિટલ પોતાના લેટરપેડ ઉપર તેમના પ્રતિનિધિને મોકલે તો ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાનો દાવો કરાય છે પણ ખાનગી હોસ્પિટલ દ્વારા પોતાના પ્રતિનિધિને મોકલવામાં આવતા નથી અને દર્દીઓના સગાને રેમડેસિવિર ઇન્જેક્શન લેવા મોકલાઈ રહ્યાં છે.

કેટલાંક કિસ્સાઓમાં તો ખાનગી હોસ્પિટલને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન રેમડિસિવિર ઇન્જેક્શન આપી રહ્યાંની વ્યવસ્થાની સત્તાવાર માહિતી પણ અપાઈ નથી. હાલની સ્થિતિમાં રેમડિસિવિર ઇન્જેક્શનની અછતનો માહોલ યથાવત છે. આ સ્થિતિમાં દરેક દર્દી સુધી રેમડિસિવિર ઇન્જેક્શન પહોંચે તેવી સુદ્રઢ વ્યવસ્થા સ્થપાઈ શકી નથી. આ સ્થિતિ ચિંતાજનક છે.

ઝાયડસમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પુરો થતા લોકો ગુસ્સે ભરાયા

ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી છે. ત્યાર આજે પણ વહેલી સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી હતી અને તમામને ટોકન આપવામાં આવ્યા હતા. જો કે, 10 વાગ્યા સુધીમાં જ આ રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પુરો થઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 54 લોકોના મોત થયા હતા. રાજ્યમાં એક દિવસમાં કોરોનાના 5469 નવા કેસ નોંધાયા છે અને 2976 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 19 લોકોના મોત થયા છે જ્યારે સુરત શહેરમાં 16, વડોદરા શહેરમાં 7, રાજકોટ શહેરમાં 5, બનાસકાંઠા અને સુરત ગ્રામ્યમાં 2-2, અમદાવાદ-ગાંધીનગર અને જામનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. આ ગુજરાતમાં અત્યાર સુધી એક જ દિવસમાં સૌથી વધુ મોતનો આંકડો નોંધાયેલો છે. રાજ્ય સરકાર પર હવે કોરોનાના કેસની સાથે સાથે મોતના આંકડા પણ દબાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 45 લોકોના મોત થયા હતા જ્યારે રાજ્ય સરકારે માત્ર 5 લોકોના જ મોત થયા હોવાનું જણાવ્યુ હતું.

(5:57 pm IST)