ગુજરાત
News of Monday, 12th April 2021

અમદાવાદમાં ઝાયડસ હોસ્‍પિટલની બહાર હજારોની સંખ્‍યામાં લોકો રેમડેસિવિર ઇન્‍જેકશન લેવા માટે લાઇનોઃ પોલીસ તંત્રએ લોકોને ઘર ભગાડયા

અમદાવાદઃ ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળી છે. ત્યાર આજે પણ વહેલી સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી હતી અને તમામને ટોકન આપવામાં આવ્યા હતા. જો કે, 10 વાગ્યા સુધીમાં જ આ રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક પુરો થઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધતા જઈ રહ્યા છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા તમામ હોસ્પિટલોમાં બેડ વધારી દેવામાં આવ્યા છે અને લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. જો કે, છેલ્લા બે દિવસથી ઝાયડસ હોસ્પિટલની બહાર હજારોની સંખ્યામાં લોકો રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાઈનો લગાડી રહ્યા છે. ત્યારે આજે પણ આવો જ હાલ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ લોકોએ ઇન્જેક્શન લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા. પરતું સવારે દસ વાગ્યાની આસપાસ જ 1 હજાર જેટલા ઇન્જેક્શન પુરા થઈ ગયા હતા. આ અંગે જાહેરાત કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેથી હાજર પોલીસતંત્રે લોકોને ઘરે ભગાડ્યા હતા.

આવતીકાલ મંગળવાર સુધીનાં ઇન્જેક્શન માટે ટોકન આપી દેવામાં આવ્યા છે. બુધવારે ઇન્જેક્શન લેવા માટે આવતીકાલે મંગળવારે લોકોને આવવા માટે કહેવામાં આવ્યું છે. રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન રોજબરોજ વધી રહી છે. આજે ટોકન લેવા આવેલા લોકોને પણ પરત જવાનો વારો આવ્યો હતો. 1000 જેટલાં ટોકન રોજ આપવામા આવે છે. ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિરનો આજનો સ્ટોક ખાલી થઈ ગયો છે હોસ્પિટલે લોકોને પરત જવા માટે કહ્યું છે. મોડી રાતથી ઈન્જેક્શનની રાહ જોઈ રહેલા લોકોમાં રોષ ફેલાયો છે કે જો હોસ્પિટલમાં સ્ટોક નથી તો શા માટે ટોકન આપવામાં આવે છે? પહેલા કેમ જાણ ન કરી.

રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી કરનાર સામે પોલીસ વડાની લાલઆંખ

ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાના એક્ટીવ કેસમાં વધારો થતા દર્દીઓનો જીવ બચાવવા ઉપયોગી રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. કોરોના દર્દીઓની જરૂરિયાતનો લાભ લઇ કેટલાક લોકો આ ઇન્જેક્શનની કાળા બજારી કરી રહ્યા છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ રેમડેસિવિર ઇન્જેક્શનનું બ્લેક માર્કેટિંગ કરતા તત્વો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ રેમડેસિવિર ઇન્જેક્શનને નિયત ભાવ કરતા વધુ ભાવ લઇને કાળા બજારી કરતા લોકો સામે ગુનો દાખલ કરવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટમાં 2 દિવસમાં કોરોનાથી 87નાં મોત

રાજ્યમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. કોરોનાના પોઝિટિવ કેસ વધવાની સાથે સાથે મૃતકઆંક પણ વધી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં માત્ર 2 દિવસમાં જ 87 લોકોના મોત થયા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 42 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દર્દીઓએ ઓક્સિજન અને વેન્ટીલેટર જેવી સુવિધાના અભાવે પોતાનો જીવ ગુમાવવો પડે છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 54 લોકોના મોત થયા હતા. રાજ્યમાં એક દિવસમાં કોરોનાના 5469 નવા કેસ નોંધાયા છે અને 2976 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 19 લોકોના મોત થયા છે જ્યારે સુરત શહેરમાં 16, વડોદરા શહેરમાં 7, રાજકોટ શહેરમાં 5, બનાસકાંઠા અને સુરત ગ્રામ્યમાં 2-2, અમદાવાદ-ગાંધીનગર અને જામનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. આ ગુજરાતમાં અત્યાર સુધી એક જ દિવસમાં સૌથી વધુ મોતનો આંકડો નોંધાયેલો છે. રાજ્ય સરકાર પર હવે કોરોનાના કેસની સાથે સાથે મોતના આંકડા પણ દબાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 45 લોકોના મોત થયા હતા જ્યારે રાજ્ય સરકારે માત્ર 5 લોકોના જ મોત થયા હોવાનું જણાવ્યુ હતું.

(5:25 pm IST)