ગુજરાત
News of Monday, 12th April 2021

કોરોના કેસમાં સતત વધારો થતા કાલથી અમદાવાદનું સાબરમતી આશ્રમ મુલાકાતીઓ માટે બંધઃ દર વર્ષે 7 લાખ લોકો લે છે મુલાકાત

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા સાબરમતી આશ્રમને મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સંક્રમણ વધુ ના ફેલાય તે માટે 13 એપ્રિલથી સાબરમતી આશ્રમ મુલાકાતીઓ માટે બંધ રહેશે.

અનેક મુલાકાતીઓ ગાંધી આશ્રમની લે છે મુલાકાત

ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી કૂચની શરૂઆત કરી હતી. આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. આજે પણ ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલાકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે.

7 લાખ મુલાકાતીઓ લે છે મુલાકાત

સાબરમતી આશ્રમમાં દર વર્ષે 7 લાખ જેટલા મુલાકાતીઓ આવે છે, જેમની જરૂરતોનું ધ્યાન રાખવામાં આવે છે. આશ્રમ આખું વર્ષ મુલાકાતીઓ માટે સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે. ગાંધીજી દ્વારા ખાદી બનાવવામાં માટે વાપરવામાં આવેલો ચરખો અને તેમનું ટેબલ જેના પર તેઓ પત્રો લખતા હતા, તે અમૂલ્ય વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે.આશ્રમ ટ્રસ્ટ મુલાકાતીઓ અને સમુદાયો માટે શિક્ષણ અને સંગ્રહાલય અને તેની આસપાસના મેદાનો તેમજ ઈમારતોની નિયમિતપણે જાળવણી જેવી પ્રવૃત્તિ માટે ભંડોળ પૂરુ પાડે છે.

અમદાવાદમાં કોરોનાની સ્થિતિ

અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 1500થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1504 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે 803 દર્દી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 1 લાખ 8 હજાર 157 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.

(5:24 pm IST)