ગુજરાત
News of Monday, 12th April 2021

કોરોનાકાળમાં જો ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રહી શકે તો ધો.10-12ની બોર્ડની પરિક્ષાઓ કેમ નહીં ? વાલીઓનો સરકારને સવાલ

અમદાવાદ :કોરોનાકાળમાં હાલ તમામ પ્રકારની શૈક્ષણિક કામગીરી ઓનલાઈન ચાલી રહી છે. CORONAએ હાહાકાર મચાવતા રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ઑફલાઈન બંધ કરાયુ છે. આગામી 30મી એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ રહેશે. જોકે, સરકારની આ જાહેરાત વચ્ચે શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ધોરણ 1 થી 8 તેમજ કોલેજના ઓફલાઈન વર્ગ બંધ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, પણ ધોરણ 9 થી 12 ના વર્ગો માટેની જાહેરાત કરવાનું સરકાર ભૂલી ગઈ છે.

સરકારે ધોરણ 9 થી 12 માટે કોઈ જાહેરાત ના કરી

આ વિશે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, સ્કૂલ સંચાલકો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે. અગાઉ સરકારે ઓફલાઈન વર્ગ શરૂ કરતાં પહેલાં વાલી પાસેથી ફરજિયાત પરવાનગી માંગી હતી. પરંતુ વધતા કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે કોલેજો 30 એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરી, પણ ધોરણ 9 થી 12 માટે કોઈ જાહેરાત ના કરી.

શિક્ષણ વિભાગ પેરાલાઈઝ્ડ થઈ ગયું - ભાસ્કર પટેલ

ભાસ્કર પટેલે વધુમાં કહ્યું કે, શિક્ષણ વિભાગ પેરાલાઈઝ્ડ થઈ ગયું છે. સરકારે ધોરણ 1 થી 9 બંધ રાખવાની જાહેરાત કરી, પણ પરિપત્ર માત્ર ધોરણ 1 થી 8 માટે કર્યો, ધોરણ 9નો ક્યાંય ઉલ્લેખ નથી. કોલેજો 30 એપ્રિલ સુધી બંધ કરી પણ બોર્ડના બાળકો માટે કોઈ જાહેરાત નથી કરી. બોર્ડની પરીક્ષાને ગણતરીનો સમય બાકી છે છતાંય પરીક્ષા અંગે કોઈ જાહેરાત કરાઈ રહી નથી. બાળકો સાથે વાલીઓ પણ ચિંતિત છે. હાલની સ્થિતિ જોતા બોર્ડની પરીક્ષા 1 મહિનો પાછી ઠેલવવી જોઈએ.

સરકાર બોર્ડની પરીક્ષા પણ મોકૂફ રાખે, અને વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપે

તેમણે કહ્યું કે, બોર્ડની પણ ચૂંટણીની તારીખ જાહેર થઈ છે, ઉમેદવાર નક્કી થયા છે, પણ જો ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રહી છે તો બોર્ડની પરીક્ષા  કેમ મોકૂફ નથી રખાતી. હાલ વધી રહેલા કેસોને જોતા સરકારે 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન અંગે અથવા અગાઉ લેવાયેલી પરીક્ષાના માર્ક મુજબ રિઝલ્ટ તૈયાર કરી લેવું જોઈએ. સરકારે બાળકોનું ધ્યાન રાખીને તાત્કાલિક ધોરણ 9 થી 12 ના વર્ગો બંધ કરવા સત્તાવાર આદેશ કરવો જોઈએ, DEO ને તે અંગે જાણ કરી આદેશ આપવો જોઈએ. અલગ અલગ જિલ્લામાંથી સતત સંચાલકોને ફોન આવી રહ્યા છે, DEO ને હાલ ધોરણ 9 થી 12 ના વર્ગો અંગે કોઈ સૂચના સરકારે આપી નથી, સરકાર તાત્કાલિક જાહેરાત કરે એ જરૂરી છે.

(5:21 pm IST)