ગુજરાત
News of Monday, 12th April 2021

રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરનારા પર તૂટી પડવા પોલીસ વડા આશિષ ભાટીયાના આદેશો

ગાંધીનગર તા. ૧૨: ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાના એકટીવ કેસમાં વધારો થતા દર્દીઓનો જીવ બચાવવા ઉપયોગી રેમડેસિવિર ઇન્જેકશનની અછત સર્જાઇ છે. આવા સમયે પણ અમુક લેભાગુઓ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગી એવા રેમેડેસિવિર ઇન્જેકશનનના કાળા બજાર કરી કમાઇ લેવાનો ઇરાદો રાખી રહ્યા છે. આવા તત્વોને ભરી પીવા રાજ્યના અધિક પોલીસ વડા શ્રી આશિષ ભાટીયાએ રાજ્યભરની પોલીસને આદેશો આપ્યા છે.

કોરોનાના દર્દીઓની જરૂરિયાતનો લાભ લઇ કેટલાક લોકો આ ઇન્જેકશનની કાળા બજારી કરી રહ્યા છે. ગુજરાતના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયાએ રેમડેસિવિર ઇન્જેકશનનું બ્લેક માર્કેટિંગ કરતા તત્વો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ છે. શ્રી ભાટિયાએ રેમડેસિવિર ઇન્જેકશનને નિયત ભાવ કરતા વધુ ભાવ લઇને કાળા બજારી કરતા લોકો સામે ગુનો દાખલ કરવા સૂચના આપી છ

રાજ્યમાં કોવિડ-૧૯ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ડીજીપી શ્રી આશિષ ભાટિયા દ્વારા રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારની SOP ની કડક અને ચુસ્ત અમલ થાય તે દિશામાં સઘન પ્રયત્નો કરવા તેમજ વિશેષ પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલીંગ દ્વારા સોશિયલ ડિસ્ટસિંગ તથા માસ્કના નિયમોનું પાલન કરાવવા તથા માસ્ક ન પહેરનાર સામે જાહેરનામા ભંગ અંગે વધુ કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.

માસ્ક ન પહેરવા બદલ નોંધાયા ગુના

રાજય પોલીસ તંત્ર દ્વારા ૧૦ એપ્રિલના રોજ જાહેરનામા ભંગના તથા અન્ય ગુનાઓ મળી કુલ ૨,૧૪૫ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આવા ભંગ બદલ કુલ ૨,૦૬૭ વ્યકિતઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. ઉપરાંત, જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ કુલ-૧૧,૯૪૮ વ્યકિતઓ પાસે દંડ વસુલ કરાયેલ છે. કર્ફયુ ભંગ બદલ તથા એમવી એકટ-૨૦૮ની જોગવાઇઓના ભંગ બદલ કુલ ૧,૧૨૦ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

રાજકોટ પોલીસે ગયા વર્ષે નોંધનીય કાર્યવાહી કરી હતી

ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે પણ કોરોનાનું સંક્રમણ વધતાં રાજકોટ શહેરમાં રેમડેસિવિર ઇન્જેકશનની અછત ઉભી થઇ હતી અને કાળાબજાર શરૂ થયા હતાં. તે વખતે રાજકોટ શહેર પોલીસે કાળા બજાર કરનારા નર્સ, મેડિકલ સ્ટોરના કર્મચારીઓ અને એમ.આર. સહિતનાઓને પકડી લઇ દાખલારૂપ કામગીરી કરી હતી. જેથી હાઇકોર્ટમાં પણ નોંધ લેવામાં આવી હતી.  

(3:01 pm IST)