ગુજરાત
News of Friday, 12th April 2019

૧ વર્ષમાં પ૦,૦૦૦થી વધુ બાળકોના દાંત અકાળે પડી જતા અટકાવી દીધા

૧૩૬ શાળાઓમાં જઇ બાળકોને ભારતીય ટુથપેસ્ટ-બ્રશની કીટ આપી યોગ્ય રીતે બ્રશ કરવાની તાલીમ આપી : આણંદના એસપી મકરંદ ચૌહાણના પત્ની અને સેવાભાવી જાગૃત મહિલાનું અનેરૂ અભિયાન

રાજકોટ, તા., ૧રઃ મોટા ભાગના લોકો જયારે ડેન્ટીસ્ટ પાસે જાય છે ત્યારે ડેન્ટીસ્ટો દ્વારા સંબંધક દર્દીને તેઓ કઇ રીતે  બ્રશ કરે છે? તેવો સવાલ પુછતા હોય છે. આમાના મોટાભાગના લોકો યોગ્ય રીતે બ્રશ ન કરતા હોવાનું તારણ નિકળ્યું છે. જો સારી રીતે અભ્યાસ કરેલ લોકો, સુખી સંપન્ન અને સારી પેસ્ટ અને બ્રશ વાપરતા લોકોના દાંત પણ યોગ્ય રીતે સાફ કરવાના અભાવે સડી જતા હોય તો ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો સ્વભાવીક રીતે આ બાબતે કેટલા જાગૃત ન હોય.

આ જ વિચારને લક્ષમાં રાખી ઝુંપડપટ્ટી (સ્લમ વિસ્તાર)ના બાળકોના દાંતને સુરક્ષીત કરવાનું એક અનેરૂ અભિયાન એક જાગૃત મહિલા દ્વારા સફળતાપુર્વક પાર પાડી એક વર્ષમાં પ૪ હજાર બાળકોના દાંત અકાળે ખરાબ થતા બચાવી લીધા છે.

આટલું વાંચ્યા પછી એ સેવાભાવી અને જાગૃત મહિલાનું નામ જાણવાની ઇચ્છા થાય તે સ્વભાવીક છે. આ જાગૃત અને સેવાભાવી મહિલા એટલે આણંદના જીલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણના પત્ની નિધીબેન. ઝુંપડપટ્ટીના બાળકોને પોતાના બંગલામાં તેડાવી વિનામુલ્યે અંગ્રેજી અને સાયન્સના વિષયો વિનામુલ્યે શિખડાવનાર આ મહિલા પાસે જયારે સ્લમ વિસ્તારના બાળકો આવવા લાગ્યા ત્યારે તેમના દાંત જોઇ તેઓ ચોંકી ઉઠયા. અપુરતી જાગૃતીના કારણે મોટાભાગના બાળકોના દાંતમાં સડો હતો.

માતૃધારા સાર્વજનિક સેવા ટ્રસ્ટના માધ્યમથી પોતાના અમુલ્ય વિચારને સાકાર કરવા આણંદ જીલ્લાની ૧૩૬ શાળામાં જઇ પ૪ હજાર બાળકોને ભારતીય બનાવટની ટુથપેસ્ટ તથા બ્રશની કીટ અર્પણ કરી અને યોગ્ય રીતે બ્રશ કરવાની પધ્ધતી સમજાવી.  શાળા આરોગ્ય કાર્યક્રમોમાં અન્ય રોગોનંુ નિદાન થતું હોય છે. પરંતુ દાંતની સ્વચ્છતા પ્રત્યે બાળકોને ખરા અર્થમાં જાગૃત કરવાનો  યશ નિધીબેન મકરંદભાઇ ચૌહાણને જાય છે તેમાં કોઇ બે મત નથી.

(3:58 pm IST)