ગુજરાત
News of Friday, 12th April 2019

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સામે સુરત કોર્ટમાં ફરિયાદ: ગુનો દાખલ કરી તપાસના આદેશ

કોંગ્રેસના કાર્યકર્તાઓને 'હરામઝાદા' કહેવા બાબતે સુરતની કોર્ટમાં કોંગ્રેસના નેતા દ્વારા ફરિયાદ

 

સુરતઃ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સામે સુરત કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ છે કોંગ્રેસના કાર્યકરોને 'હરામઝાદા' કહેવા  મામલે  ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ વાઘાણીને ક્લીનચીટ આપ્યા બાદ હવે વાઘાણી સામે કોર્ટમાં પણ ફરિયાદ થઈ છે. કોર્ટે પોલીસને યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત ખાતે ચુંટણી પ્રચાર માટે આવેલા જીતુંભાઈ  વાઘાણીએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષવાળા અંધાધુંધી અને અરાજકતા ફેલાવા નીકળ્યા છે. રાજ્યમાં તમે સીધી રીતે જીતી શકતા નથી એટલે દાદાગીરી અને લુખ્ખાગીરી કરવા નીકળ્યા છો.

   જીતુભાઈ  વાઘાણીએ સીધી ધમકી આપતા કહ્યું હતું કે, અમને કોઈને છેડવા નહીં અને અમને છેડશો તો અમે કોઈને છોડીશું નહીં. સમય ગયો છે, જ્યારે તમારો સમય હતો. અમે લોકશાહી ઢબે ચૂંટણી લડવા માંગીએ છીએ. એક બનાવ બન્યો, બીજો બનવા બનશે તો તમને સુરતમાંથી હાંકી કાઢતા અમને વાર નહીં લાગે. જેને જ્યાં મત દેવો હોય ત્યાં દેવા દો.

 

ઉપરાંત જીતુભાઈ  વાઘાણીએ મતદારોને સીધી અપીલ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના મનમાં પાપ છે. લોકોને હેરાન પરેશાન કરવા છે. 23 તારીખે કમળના નિશાન પર વોટીંગ કરશો. સાથે જીતુભાઈ  વાઘાણીએ કોંગ્રેસના કાર્યકરોને હરામઝાદા પણ કહ્યા હતા

   જીતુભાઈ  વાઘાણીના આવા ઉચ્ચારણ અંગે કોંગ્રેસના નેતા ફિરોઝ ખાને આરોપ લગાવતા કહ્યું કે, જીતુભાઇ વાઘાણી પ્રદેશ પ્રમુખની સાથે ધારાસભ્ય પણ છે. તેમાં છતાં તેમણે શબ્દોની મર્યાદા રાખી નથી.

   ફિરોઝખાન પઠાણે સુરત કોર્ટમાં આઈપીસીની કલમ 294 (), 504, 505, 153, 505, 500 અને 153 () મુજબ ફરિયાદ નોંધાવી છે. નામદાર કોર્ટે સમગ્ર મામલે સલાબતપુરા પોલીસને તપાસ સોંપી છે. કોર્ટે સલાબતપુરા પોલીસને આદેશ આપ્યો છે કે, જો તપાસમાં ગુનાહિત કૃત્ય દેખાય તો ફરિયાદ નોંધવી

 

(12:00 am IST)