ગુજરાત
News of Tuesday, 12th February 2019

લોકોને રાહત થઇ : ઠંડીમાં એકાએક તીવ્ર ઘટાડો થયો

અમદાવાદમાં પારો વધીને ૧૪.૮ ડિગ્રી થયોઃ મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધતાં બપોરે ગરમીનો અનુભવ : પંખા તેમજ એસીનો ઉપયોગ કરાયો

અમદાવાદ, તા.૧૨: ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં એકાએક ઉલ્લેખનીય ઘટાડો થયો છે. આજે તાપમાન વધી જતાં ફરીએકવાર બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં પણ પારો વધીને ૧૪.૮ સુધી પહોંચ્યો હતો. નલિયામાં પણ લઘુત્તમ તાપમાનમાં એકાએક તીવ્ર વધારો થયો છે અને પારો આજે ૧૩.૨ સુધી પહોંચ્યો હતો. આગામી બે ત્રણ દિવસ દરમિયાન ફરી એકવાર તાપમાનમાં વધારો થઇ શકે છે. જો કે, ઠંડી હજુ પણ અનુભવાય તેમ પણ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે. આજે રાજ્યમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ કંડલા એરપોર્ટ ખાતે થયો હતો જ્યાં પારો ૧૦.૮ રહ્યો હતો.  ઠંડીના પ્રમાણમાં એકાએક ઘટાડો થતાં ગુજરાતના લોકો આજે રાહત અનુભવી હતી. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં આંશિકરીતે વધારો થયો છે. જો કે, ઠંડા પવનો સવારે ફુંકાયા હતા જેથી વાતાવરણમાં ઠંડક રહી હતી.  હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા જારી રહી છે જેના કારણે એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં એક બાજુ હિમવર્ષાની મજા માણવામાં આવી રહી છે પરંતુ રાજમાર્ગો ઉપર યાત્રી વાહનો અને ટ્રકોની લાંબી લાઇનો લાગી ગઈ છે. કારણ કે, ભારે હિમવર્ષાના કારણે જમ્મુ કાશ્મીરના મુખ્ય માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફ નજરે પડે છે. વાહનો જ્યાં રોકાયા છે ત્યાં જ જીવન અટવાઈ પડ્યું છે. બરફને દૂર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં ઠંડીનો ચમકારો હોવા છતાં મોર્નિંગ વોક પર જતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.  હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે પરંતુ હાલ પારો યથાવત રહેવાનો અંદાજ છે.

આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં વધીને ૧૬ ડિગ્રીની આસપાસ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. અલબત્ત ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૪.૮, ડિસામાં ૧૧.૮, ગાંધીનગરમાં ૧૩.૬, વલસાડમાં ૧૧.૬, સુરેન્દ્રનગરમાં ૧૧, મહુવામાં ૧૧.૭ અને કંડલા એરપોર્ટમાં પારો ૧૦.૮ રહ્યો હતો.

(10:10 pm IST)