ગુજરાત
News of Tuesday, 12th February 2019

મોદી વડાપ્રધાન તરીકે નહીં સેવક બનીને સેવાઓ કરે છે

ભાજપના ધસમસતા પ્રવાહથી વિપક્ષ ભયભીતઃ ગુજરાતમાં સેવાના ભાવે કાર્યરત લાખો કાર્યકરોની ફોજ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવા તૈયાર હોવાનો દાવો કરાયો

અમદાવાદ, તા. ૧૨: ભાજપ પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ગોધરા ખાતે શક્તિ કેન્દ્ર સંમેલન યોજાયું હતું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ગુજરાત વિકાસમાં હંમેશા અગ્રેસર રહે અને દેશમાંથી ગરીબી, ભ્રષ્ટાચાર અને બેકારી દુર થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા સાડા ચાર વર્ષમાં પ્રમાણિકતાથી અથાગ પરિશ્રમ કર્યો છે. વડાપ્રધાન એ દેશના પ્રધાનમંત્રી નહીં પરંતુ પ્રધાનસેવક બનીને દેશની સેવા કરી છે. ૫૫ મહિનામાં ભાજપાના શાસન દરમ્યાન પ્રથમવાર ગરીબો, શોષિતો, આદિવાસીઓ, ખેડુતો, યુવાનો તથા મહિલાઓ તમામ માટે વિકાસના અનેકવિધ કાર્યો થયા છે. સમગ્ર દેશની જનતા ફરીથી નરેન્દ્રને દેશનું સુકાન સોંપવા કટિબધ્ધ છે તેથી જ ભાજપાના ધસમસતા પ્રવાહથી ડરીને એકબીજાનું મોઢું પણ ન જોવા રાજી ન હોય તેવા લોકો આજે મહાગઠબંધનના નામે એક થયા છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં સેવાના ભાવ સાથે કાર્યરત એવા લાખો કાર્યકર્તાઓની ફોજ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવા તૈયાર છે ત્યારે ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પર ભાજપાનો વિજય નિશ્ચિત છે. દેશમાં માત્ર ૫૫ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌના સાથ સૌના વિકાસના મંત્રને આત્મસાત્ કરી દેશની જનતાનો પ્રેમ અને વિશ્વાસ જીત્યો છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીઓમાં વિરોધ પક્ષોના તમામ જુઠ્ઠાણાઓને પ્રજાસમક્ષ ખુલ્લા પાડી ફરીથી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે આપણે સૌ કટિબધ્ધ બનીએ. આ શક્તિકેન્દ્ર સંમલનમાં ભાજપાના પ્રદેશ મહામંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, રાજ્યના મંત્રીમંડળના સદસ્યો, કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર, સાંસદઓ, ધારાસભ્યઓ, લોકસભા સીટના   પ્રભારી-ઇન્ચાર્જ-સહઇનચાર્જ, વિસ્તારકો, સંકલન સમિતીના સભ્યો, કારોબારી સભ્યો, મંડલ પદાધિકારીઓ, પ્રદેશ જિલ્લા મોરચાના પદાધિકારીઓ, જિલ્લા-શહેરના પ્રમુખ મહામંત્રીઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, બોર્ડ  નિગમના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર લોકસભાની ૨૧ વિધાનસભાના ૫૫ મંડલ, ૯૫૦ શક્તિ કેન્દ્રોના ૬૧૪૧ બુથ સભ્યો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

(10:15 pm IST)