ગુજરાત
News of Tuesday, 12th February 2019

કોર્પોરેશને ૧૧ વર્ષના બજેટના ૧૪ હજાર કરોડ ખર્ચ્યા જ નથી

જંગી રકમનો ઉપયોગ ન કરાતા આક્ષેપો : શાસક પક્ષના પોકળ દાવાઓને લઇ વિપક્ષી કોંગ્રેસ દ્વારા ગંભીર સવાલો ઉઠાવાયા : બજેટને લઇને બે દિનની બેઠક

અમદાવાદ,તા.૧૨ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦નું રૂ.૮૦પ૧ કરોડના સુધારિત બજેટ ઉપરાંત વીએસ હોસ્પિટલ, એમ.જે. લાઇબ્રેરી, એએમટીએસ, સ્કૂલ બોર્ડ એમ ચાર સંલગ્ન સંસ્થાના સુધારિત બજેટને મંજૂરી અપાઇ હોઇ આગામી શનિવારથી ખાસ બે દિવસની બજેટ બેઠક યોજાશે. બીજીબાજુ, બજેટની વરવી વાસ્તવિકતા એ છે, દર વખતના બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઇ અને ફાળવણી કરવા છતાં અમ્યુકો સત્તાધીશોએ છેલ્લા ૧૧ વર્ષના બજેટમાં આશરે રૂ.૧૪ હજાર કરોડથી વધુની રકમ વાપરી જ નથી, જેને લઇ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને અમ્યુકો વિપક્ષ કોંગ્રેસ શાસક પક્ષ પર ચાબખા વરસાવ્યા છે. ગત નાણાકીય વર્ષ ર૦૦૬-૦૭માં રૂ.૧૬૭૬.૬પ કરોડના બજેટમાં રૂ.૪૩૭ કરોડ, વર્ષ ર૦૦૭-૦૮માં રૂ.ર૩૯ર.૩૮ કરોડના બજેટમાં રૂ.૯૮૩ કરોડ, વર્ષ ર૦૦૮-૦૯માં રૂ.ર૯૯૩.૪૩ કરોડના બજેટમાં રૂ.૧૦પ૨ કરોડ, વર્ષ ર૦૦૯-૧૦માં રૂ.૩પ૭૧પ૮ કરોડના બજેટમાં રૂ.૧૧ર૧કરોડનું બજેટ પૂરતી આવકના અભાવે ફકત કાગળ પર રહ્યું હતું તેમ જણાવતાં મ્યુનિસિપલ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, બજેટના આંકડા પણ લોકોની આંખમાં ધૂળ નાંખનારા છે. વર્ષ ર૦૧૬-૧૭માં રૂ.૬૦૮૦ કરોડનાં બજેેટમાં રૂ.૧૪૯૧ કરોડ, ર૦૧૭-૧૮માં રૂ.૬પ૦૧ કરોડનાં બજેેટમાં રૂ.૧૧પ૧ કરોડ, ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં રૂ૬૯૯૦ કરોડના બજેેટમાં રૂ.૧ર૩પ કરોડ મળીને છેલ્લા ૧૧ વર્ષના કુલ રૂ.પ૮,૯૯પ.૦૪ કરોડનાં બજેટમાં રૂ.૧૪,૩૬૬ કરોડથી વધારેની રકમ શાસકો દ્વારા વપરાઇ જ નથી. દરમ્યાન તંત્ર દ્વારા શનિવાર તા.૧૬ ફેબ્રુઆરીથી બે દિવસ બજેટ સત્ર યોજવાનો એજન્ડા પ્રસિદ્ધ કરાતાં ખુદ ભાજપના સભ્યોમાં ભારે ગણગણાટ ફેલાયો છે. સૂત્રોનું કહેવું છે કે, પક્ષના ટોચના હોદ્દેદારોએ શનિ-રવિને બદલે સોમ-મંગળ બજેટ સત્રની જાહેરાત કરવી જોઇએ. શનિ-રવિએ રાજ્ય સરકારનાં બજેટ સત્રમાં પણ રજા પળાય છે. જો કે, બેઠકમાં ઔપચારિક રીતે જ બજેટની વાતો મંજૂર કરી દેવાય તે નક્કી છે કારણ કે, આગામી લોકભાની ચૂંટણીને લઇ બજેટમાં ચૂંટણીલક્ષી વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

(8:23 pm IST)