ગુજરાત
News of Tuesday, 12th February 2019

બોરસદના જુના બદલપુરમાં વીજ ચેકીંગ માટે ગયેલ ટિમ પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ: તાલુકાના જુના બદલપુર ગામે આજે બપોરના સુમારે વીજ ચેકીંગ માટે ગયેલી એમજીવીસીએલની ટીમ પર હુમલો કરીને ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં અંગે વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદ ખાતે રહેતા અને એમજીવીસીએલમાં ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ફરિયાદી ગોવિંદભાઈ ધુળજીભાઈ ભગોરા, જુની. એન્જિનિયર સહિતની ટીમ જુના બદલપુર ગામના નરસિંહપુરા ક્ષેમકલ્યાણી વિસ્તારમાં રહેતા ભયલાલભાઈ બેચરભાઈ ઠાકોરને ત્યાં વીજચેકીંગ માટે ગયા હતા. જ્યાં વીજ ચેકીંગ કરતા હતા ત્યારે ભયલાલભાઈ આવી ચઢ્યા હતા અને તમે મને પુછ્યા વગર કેમ વીજ ચેકીંગ કરો છો તેમ જણાવીને ગોવિંદભાઈની ફેટ પકડી લીઘી હતી અને થાપોટ મારી દીધી હતી. ત્યારબાદ જો ફરીથી તમે કે તમારા માણસો વીજ ચેકીંગ માટે મારા ઘરે આવ્યા તો રાઈ-રાઈ જેવા ટુકડા કરી નાંખીશ તેવી ધમકી આપી હતી. 

 

 

(6:15 pm IST)