ગુજરાત
News of Tuesday, 12th February 2019

કોંગ્રેસ પાસે નીતિ અને નેતા બંને નથી

'મેરા પરિવાર ભાજપા પરિવાર' અભિયાનના શ્રી ગણેશ કરતા અમિતભાઈ : એક જ કલાકમાં ૯૨ હજાર લોકોએ પોતાના ઘર ઝંડો ફરકાવી સમર્થન આપતુ ટ્વીટ કર્યુ

રાજકોટ, તા. ૧૨ : આજથી અમદાવાદમાં 'મેરા પરિવાર ભાજપા પરિવાર' અભિયાનનાં શ્રીગણેશ અમિતભાઈ શાહનાં નિવાસ સ્થાનથી કરવામાં આવ્યાં હતાં. શહેરનાં પંડિત દીનદયાળ હોલમાં આયોજીત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અમિતભાઈએ ગુજરાતમાં ૨૬એ ૨૬ સીટ જીતવાનાં સંકલ્પ કરીને કાર્યકર્તાઓને પણ ભારત માતા કી જયનાં નારા પણ લગાડાવ્યાં હતાં. તેઓએ જણાવેલ કે ભાજપે ૨૦૧૯ની ચૂંટણીનાં પ્રચારની શરૂવાત કરી છે.

દેશભરમાં આજે ભાજપનાં ૫ કરોડ કાર્યકર્તાઓ પોતાનાં દ્યર પર ભાજપનો ઝંડો લહેરાવીને પોતાનું નરેન્દ્રભાઈ મોદી માટેનું સમર્થન જાહેર કરશે. આટલા કાર્યકર્તાઓ તેમના પરિવાર સાથે ભાજપને સમર્થન આપે છે તેનો અર્થ એ છે કે ગત ચૂંટણી કરતાં પણ વધારે મતોથી આ વખતે બીજેપી ચૂંટણી જીતશે. આશરે એક જ કલાકમાં ૯૨ હજાર લોકોએ પોતાનાં ઘર પર ઝંડો ફરકાવીને સમર્થન આપતું ટ્વિટ કર્યું છે.

અમિતભાઈએ જણાવેલ કે ભાજપની સરકારે સરકારી કાર્યક્રમોથી દેશનાં ૨૨ કરોડ પરિવારને મદદ કરી છે. દેશનાં ૫૦ કરોડ પરિવારોને મોદી કેર આયુષ્માન ભારત અભિયાનથી મદદ કરી છે. હજુ ઘણાં લોકો, પરિવારને મહત્વની સુવિધાઓ આપવાની બાકી છે એટલે આ લોકને પણ મદદ મળે તે માટે મોદી સરકારને વોટ આપવા માટે સમજાવવાનો પણ કાર્યક્રમ યોજાશે.

(3:55 pm IST)